<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

રેલવેનું 'ભક્તિભર્યું' ભાણું: નવરાત્રીમાં ટ્રેનમાં મળશે સાત્વિક આહાર : ડુંગળી-લસણનીનો-એન્ટ્રી!

મુસાફરો માટે 4 પ્રકારની ખાસ વ્રત થાળીઓ લોન્ચ : સાબુદાણાની ખીચડીથી લઈને કૂટુના પરાઠા સુધીની લિજ્જત પીરસાશે : પેન્ટ્રી કાર અને સ્ટેશન સ્ટોલ્સ પર 19 થી 27 માર્ચ સુધી મળશે શુદ્ધ ફરાળી ભોજન

નવી દિલ્હી : ભારતીય રેલવેએ નવરાત્રી 2026ના પવિત્ર અવસરે મુસાફરોની ધાર્મિક આસ્થાનું સન્માન કરતા 'નવરાત્રી સ્પેશિયલ' મેનુની જાહેરાત કરી છે. 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને હવે ડુંગળી અને લસણ વગરનું સંપૂર્ણ સાત્વિક ભોજન પીરસવામાં આવશે. રેલવે પ્રશાસને પેન્ટ્રી કાર અને સ્ટેશન પરના ફૂડ સ્ટોલ્સને કડક સૂચના આપી છે કે ઉપવાસ કરનારા મુસાફરો માટે માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરીને જ વાનગીઓ તૈયાર કરવામાં આવે. આ સુવિધાને કારણે લાંબા અંતરની મુસાફરી કરતા ભક્તોને ભોજનની ચિંતામાંથી મુક્તિ મળશે.

રેલવે દ્વારા ખાસ તૈયાર કરાયેલી 4 પ્રકારની વ્રત થાળીઓમાં વિવિધતાનો ખજાનો છે. પ્રથમ થાળીમાં ફળ, ફરાળી ભજીયા અને દહીંનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય વિકલ્પોમાં સાબુદાણાની ખીચડી, કૂટુના પરાઠા, બટાકાની કઢી અને મલાઈદાર સાબુદાણાની ખીર પીરસવામાં આવશે. હળવા નાસ્તા તરીકે સફરજન, કેળા અને ફ્રૂટ જ્યુસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટરિંગ સ્ટાફને સ્પષ્ટ આદેશ અપાયા છે કે રસોઈમાં શુદ્ધતા અને સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણો જળવાય, જેથી મુસાફરોની આસ્થાને ઠેસ ન પહોંચે.

મુસાફરોને આ સુવિધાનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે સ્ટેશનો અને પ્લેટફોર્મ પર ઠેર-ઠેર માહિતી બોર્ડ અને દિશાનિર્દેશો લગાવવામાં આવ્યા છે. વ્રત રાખતા મુસાફરો ઈ-કેટરિંગ દ્વારા અથવા ટ્રેનમાં ઓન-ધ-સ્પોટ ઓર્ડર આપીને આ સાત્વિક ભાણાનો આનંદ માણી શકશે. રેલવેના આ 'કોઈ મુસાફર ભૂખ્યો ન રહે' અને 'શ્રદ્ધાનું સન્માન' કરવાના અભિગમને મુસાફરો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ટ્રેનની મુસાફરી માત્ર સફર નહીં, પરંતુ એક સાત્વિક ઉત્સવ બની રહેશે.

 

(7:22 PM IST)