<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીના 'સરકે ચુનર' ગીત પર દેશભરમાં આક્રોશ: વલ્ગર ડાન્સ અને અભદ્ર શબ્દો બદલ અભિનેત્રી વિરુદ્ધ ફતવો જારી, સંજય દત્ત સામે પણ FIRની માંગ

યુપીના અલીગઢમાં મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તાએ ગીતને ગણાવ્યું 'હરામ'; ડબલ મીનિંગ લિરિક્સને કારણે યુટ્યુબ પરથી હિન્દી વર્ઝન હટાવવું પડ્યું - નોરાની મુશ્કેલીમાં ધરખમ વધારો

અલીગઢ :બોલીવુડની ગ્લેમરસ ગર્લ નોરા ફતેહી અત્યારે પોતાની અદાઓને કારણે નહીં, પરંતુ એક વિવાદિત ગીતને કારણે મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. સાઉથની આગામી ફિલ્મ 'KD - ધ ડેવિલ'ના નવા રિલીઝ થયેલા ગીત 'સરકે ચુનર તેરી સરકે' પર દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ ગીતમાં નોરા ફતેહી અને સંજય દત્ત જોવા મળે છે, પરંતુ ગીતના લિરિક્સ અને ફિલ્માંકન એટલું અભદ્ર હોવાનો આરોપ લાગ્યો છે કે હવે તેની સામે ધાર્મિક ફતવો પણ જારી કરી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં સ્થિત મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તાએ આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. શાહી મુફ્તી મૌલાના ચૌધરી ઇફરાહીમ હુસૈને નોરા ફતેહી વિરુદ્ધ ફતવો જારી કરતા જણાવ્યું છે કે આ પ્રકારના ગીતો અને નૃત્ય ઇસ્લામમાં 'હરામ' છે. મૌલાનાએ ગીતના શબ્દોની મર્યાદા ઓળંગવા બદલ અનેક આકરા પ્રશ્નો પણ ઉભા કર્યા છે, જેના કારણે મુસ્લિમ સમુદાયમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદનું મુખ્ય કારણ ગીતના શબ્દો છે, જે કથિત રીતે બેવડા અર્થવાળા અને અત્યંત વલ્ગર છે. આ ગીતના લિરિક્સ એટલા અભદ્ર હોવાનું કહેવાય છે કે તે જાહેરમાં લખી કે બોલી પણ શકાતા નથી. આ મામલે દિલ્હી પોલીસના સાયબર સેલમાં પણ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીઓએ ગીતકાર રકીબ આલમ, નિર્દેશક પ્રેમ, સંજય દત્ત અને નોરા ફતેહી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી છે.
 ચોમેરથી વધતા દબાણ અને વિવાદને જોતા, ફિલ્મના મેકર્સ દ્વારા આ ગીતનું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવી લેવામાં આવ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ જ ગીતના તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વર્ઝન હજુ પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે મનોરંજનના નામે આ પ્રકારની અશ્લીલતા ચલાવી લેવામાં આવશે નહીં.
નોરા ફતેહી માટે આ વિવાદ કારકિર્દીનો એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી તે માત્ર તેના ડાન્સ સ્ટેપ્સ માટે જાણીતી હતી, પરંતુ આ વખતે મામલો ધાર્મિક લાગણીઓ અને ભાષાની મર્યાદા સાથે જોડાયેલો છે.

(7:53 PM IST)