News of Thursday, 19th March 2026
બંગાળમાં ચૂંટણી પહેલા જ 'સત્તાનું યુદ્ધ' તેજ: ૫૦થી વધુ ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીથી મમતા બેનર્જી લાલઘૂમ, ચૂંટણી પંચના આદેશને ગણાવ્યો 'બંધારણ પર સીધો હુમલો'
મુખ્ય સચિવ, DGP અને પોલીસ કમિશનર સહિતના દિગ્ગજોને હટાવતા TMC સુપ્રીમોનો પલટવાર; 'બંગાળ ધમકીઓથી ડરશે નહીં' - રાજ્યમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ હોવાનો મુખ્યમંત્રીનો ગંભીર આરોપ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ વહીવટીતંત્ર અને રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (EC) દ્વારા રાજ્યના ૫૦ થી વધુ વરિષ્ઠ આઈપીએસ (IPS) અને આઈએએસ (IAS) અધિકારીઓની એકસાથે બદલી કરવામાં આવતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સંસ્થા પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનર્જીએ આ કાર્યવાહીને માત્ર વહીવટી ફેરફાર નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ પર કબજો મેળવવાનું એક "રાજકીય કાવતરું" ગણાવ્યું છે.
ટોચના અધિકારીઓ રડારમાં: ચૂંટણી પંચે કડક વલણ અપનાવતા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી, ગૃહ સચિવ જગદીશ પ્રસાદ મીણા અને રાજ્યના ડીજીપી (DGP) પિયુષ પાંડેને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, કોલકાતાના પોલીસ કમિશનર સુપ્રતિમ સરકાર સહિત IB, STF અને CID જેવી મહત્વની એજન્સીઓના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. પંચે ૧૩ IAS અને ૫ IPS અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપીને ચૂંટણી વ્યવસ્થાપનની લગામ પોતાના હાથમાં લીધી છે.
આ આદેશ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી ઠાલવતા લખ્યું કે, "ઔપચારિક ચૂંટણી સૂચના બહાર પડે તે પહેલા જ ૫૦ થી વધુ અધિકારીઓને મનસ્વી રીતે દૂર કરવા એ અભૂતપૂર્વ અને ચિંતાજનક છે. આ સંસ્થાઓનું વ્યવસ્થિત રાજકીયકરણ છે." તેમણે આ સ્થિતિને 'અઘોષિત કટોકટી' ગણાવતા ઉમેર્યું કે, બળજબરી અને સંસ્થાકીય ચાલાકી દ્વારા બંગાળ પર કબજો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ બંગાળ ક્યારેય કોઈની ધમકી સામે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં.
મમતા બેનર્જીએ ચૂંટણી પંચની કાર્યવાહીમાં વિરોધાભાસ હોવાનો પણ દાવો કર્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે અધિકારીઓને રાજ્યમાં બિનકાર્યક્ષમ ગણીને હટાવવામાં આવ્યા છે, તેમને જ અન્ય રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકે કેમ મોકલવામાં આવી રહ્યા છે? તૃણમૂલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પંચનો ઉપયોગ કરીને રાજ્યના વહીવટીતંત્રને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે આખા બંગાળમાં અધિકારીઓની બદલીને લઈને વહીવટી મોરચે અસમંજસની સ્થિતિ છે, જેની સીધી અસર આગામી ચૂંટણી પ્રક્રિયા પર પડી શકે છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
