મે મહિનામાં ખુલશે ભારત-બ્રિટન વેપારનો ‘સુપર-ગેટ'
અર્થતંત્રમાં આવશે ગ્લોબલ તેજીનો નવો યુગઃ નિકાસકારો માટે સોનાનો સૂરજ ઉગશે : ઐતિહાસિક મુક્ત વેપાર કરારની અંતિમ ગણતરી શરૂઃ લક્ઝરી કારથી લઈ વ્હિસ્કી સુધીની આયાતી વસ્તુઓ થશે સસ્તી

નવી દિલ્હી, તા.૨૦: ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની વાટાઘાટો અને રાજદ્વારી મથામણ બાદ, ભારત-યુકે મુક્ત વેપાર કરાર મે મહિનાની શરૂઆતમાં અમલમાં આવે તેવી પ્રબળ શકયતા છે. આ કરાર માત્ર બે દેશો વચ્ચેનો વેપાર દસ્તાવેજ નથી, પરંતુ ભારતીય અર્થતંત્ર માટે સુપર-ગેટ સમાન સાબિત થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકી રહેલા ટેકનિકલ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ કરાર હેઠળ, ભારતમાંથી નિકાસ થતા ૯૯% માલસામાનને બ્રિટિશ બજારોમાં ઝીરો ડ્યુટી એટલે કે કોઈપણ પ્રકારના કર વગર પ્રવેશ મળશે. આનાથી ખાસ કરીને ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ચામડાના ઉદ્યોગ સાથે સંકળાયેલા ભારતીય વેપારીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ફાયદો થશે અને દેશમાં રોજગારીની નવી તકો ઉભી થશે.
બીજી તરફ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની વેપાર મંત્રણા પણ નિર્ણાયક તબક્કે પહોંચી છે. જેને નિષ્ણાતો બધા સોદાઓની માતા તરીકે ઓળખાવી રહ્યા છે, તે EU-ભારત કરાર નવેમ્બર સુધીમાં બહાલી મેળવે તેવી ધારણા છે. આ સમજૂતી હેઠળ, ભારતમાંથી નિકાસ થતી ૯૩% વસ્તુઓ ૨૭ યુરોપિયન દેશોમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી મેળવશે. સાપેક્ષમાં, ભારતીય ગ્રાહકો માટે પણ સારા સમાચાર છે; યુરોપ અને યુકેથી આવતી લક્ઝરી કાર, પ્રીમિયમ વાઇન અને સ્કોચ વ્હિસ્કી જેવી વસ્તુઓ પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે, જેના કારણે આ વિદેશી ઉત્પાદનો ભારતીય બજારોમાં સસ્તા થશે. યુકે સંસદની મંજૂરી મળતાની સાથે જ આ વ્યાપક આર્થિક અને વેપાર કરાર જમીની સ્તરે લાગુ થઈ જશે, જે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતનું કદ અનેકગણું વધારી દેશે.
જોકે, વૈશ્વિક રાજકીય અસ્થિરતાની અસર પણ વેપાર મંત્રણાઓ પર જોવા મળી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ઇઝરાયલ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના છ દેશો (સાઉદી અરેબિયા, શ્ખ્ચ્, કતાર વગેરે) સાથેની ભારતની વેપાર વાટાઘાટો હાલ પૂરતી ધીમી પડી ગઈ છે. સુરક્ષા અને સ્થિરતાના પ્રશ્નોને કારણે આ દેશો સાથેના કરારમાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ, અમેરિકા સાથેના વેપાર કરાર અંગે અધિકારીઓ આશાવાદી છે, પરંતુ ત્યાં ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતને અન્ય સ્પર્ધક દેશોની સરખામણીમાં પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ (પસંદગીનો બજાર પ્રવેશ) મળવો અનિવાર્ય છે. આમ, મે મહિનામાં ખુલનારો આ સુપર-ગેટ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં એક મજબૂત કદમ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
