<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

પોર્ટુગલ જનારાઓ સાવધાન: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા સરકાર લાવી કડક કાયદો, હવે સીધા જેલ ભેગા થવું પડશે

વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રોની કેબિનેટે નવા બિલને આપી મંજૂરી; અટકાયતનો સમયગાળો 60 દિવસથી વધારીને સીધો 18 મહિના કરાયો, 'ઝડપી નિકાલ' પર મુકાયો ભાર

 

લિસ્બન | તા.20: યુરોપના સૌથી ઉદાર ગણાતા દેશોમાંના એક એવા પોર્ટુગલે હવે પોતાની ઇમિગ્રેશન નીતિમાં મોટો યુ-ટર્ન લીધો છે. પોર્ટુગલની જમણેરી સરકારે ગેરકાયદેસર રીતે રહેતા સ્થળાંતરિતો (Immigrants) ને દેશમાંથી ઝડપથી બહાર કાઢવા માટે એક નવા કડક બિલને મંજૂરી આપી દીધી છે. સરકારના આ પગલાથી હવે તેવા લોકો માટે મુશ્કેલી વધી શકે છે જેઓ યોગ્ય દસ્તાવેજો વગર પોર્ટુગલમાં સ્થાયી થવાના સપના જોઈ રહ્યા છે.

અટકાયત કેન્દ્રોમાં રહેવું પડશે લાંબો સમય

ગુરુવારે પસાર થયેલા આ નવા બિલમાં સૌથી મોટો ફેરફાર અટકાયતના સમયગાળામાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કામચલાઉ અટકાયત કેન્દ્રોમાં વધુમાં વધુ 60 દિવસ સુધી રાખી શકાતા હતા, પરંતુ હવે આ સમયગાળો વધારીને 18 મહિના સુધી લંબાવી દેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા એન્ટોનિયો લીટાઓ અમારોએ સ્પષ્ટ કર્યું હતું કે, "ગેરકાયદેસરતાના ગંભીર પરિણામો હોવા જોઈએ અને અમારો ઉદ્દેશ્ય તેમને ઝડપથી દેશનિકાલ કરવાનો છે."

યુરોપની સૌથી ઉદાર નીતિનો અંત?

વર્ષ 2024 માં સત્તા સંભાળ્યા પછી વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રોની સરકારે અગાઉની સમાજવાદી સરકારની નીતિઓને બદલવાનું શરૂ કર્યું છે. અગાઉ પોર્ટુગલ તેની ખુલ્લી ઇમિગ્રેશન નીતિ માટે જાણીતું હતું, જેના કારણે દક્ષિણ એશિયા સહિતના પ્રદેશોમાંથી અનેક લોકો ત્યાં જતા હતા. જોકે, નવા આંકડા દર્શાવે છે કે પોર્ટુગલનો દેશનિકાલ કરવાનો દર સમગ્ર યુરોપમાં સૌથી ઓછો હતો, જેને સુધારવા માટે હવે કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે.

સંસદમાં મતદાન અને આગામી પગલાં

આ બિલ હવે સંસદમાં મતદાન માટે મૂકવામાં આવશે. જોકે સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ ઇમિગ્રેશન નિયંત્રણના મામલે તેમને અન્ય પક્ષોનું સમર્થન મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ કાયદા હેઠળ દેશનિકાલ કરાયેલા લોકો માટે ફરીથી દેશમાં પ્રવેશવા પરના પ્રતિબંધોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવેશને અટકાવી શકાય.

(3:51 PM IST)