આકાસા એરની ફ્લાઇટ સાથે આભમાંથી ત્રાટકી આફત: હવામાં ઉડતા વિમાન પર વીજળી પડી, મુસાફરોના જીવ અધ્ધર થયા
ફુકેતથી બેંગલુરુ જઈ રહેલા બોઇંગ 737 મેક્સ વિમાનને ખરાબ હવામાન નડ્યું; પાયલટની સતર્કતાથી ચેન્નાઈમાં સુરક્ષિત લેન્ડિંગ, વિમાનની તપાસ શરૂ

નવી દિલ્હી | તા.20: થાઇલેન્ડના ફુકેતથી બેંગલુરુ આવી રહેલી આકાસા એરની ફ્લાઇટમાં સવાર મુસાફરો માટે બુધવારનો દિવસ ફાળ ફાડી દેનારો રહ્યો હતો. મધરાતે આકાશમાં પ્રતિકૂળ હવામાન અને ગાજવીજ વચ્ચે ઉડી રહેલા વિમાન પર અચાનક વીજળી પડી હતી. આ ગંભીર ઘટના બાદ પાયલટે તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને વિમાનને બેંગલુરુને બદલે ચેન્નાઈ તરફ વાળી દીધું હતું, જ્યાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
પાયલટની સૂઝબૂઝ અને સુરક્ષિત ઉતરાણ
આકાસા એરની ફ્લાઇટ QP 624 એ 18 માર્ચે ફુકેતથી ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા. તે દરમિયાન એકાએક વીજળી વિમાન સાથે ટકરાઈ હતી. જોકે, બોઇંગ 737 મેક્સ વિમાનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે તે વીજળીના આંચકાને સહન કરી શકે. પાયલટે કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વગર વિમાનને ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
એરલાઇનનું સત્તાવાર નિવેદન
ઘટના અંગે માહિતી આપતા આકાસા એરએ જણાવ્યું હતું કે, "ઉડ્ડયન ક્ષેત્રમાં વીજળી પડવી એ એક જાણીતી ઘટના છે અને અમારા વિમાનો આવી સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રમાણિત છે. અમારા ક્રૂ મેમ્બર્સ આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે ઉચ્ચ તાલીમ પામેલા હોય છે." એરલાઇને વધુમાં ઉમેર્યું કે સાવચેતીના ભાગરૂપે વિમાનને હાલ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને એન્જિનિયરોની ટીમ દ્વારા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા
જોકે વિમાનમાં સવાર મુસાફરોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી, પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત છે તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ચેન્નાઈમાં વિમાનના ઉતરાણ બાદ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એરલાઇન દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં આ વિમાન એન્જિનિયરિંગ ક્લિયરન્સની રાહ જોઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
