<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ઈરાની જહાજ 'IRIS દેના' ડૂબ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુદ્ધનો પ્રોપેગન્ડા ફેઈલ: સોશિયલ મીડિયા પર ફેલાવેલા જૂઠાણાનો થયો પર્દાફાશ

અમેરિકી હુમલા બાદ ISI ના ઈશારે ભારતને બદનામ કરવાનું રચાયું હતું મોટું ષડયંત્ર; OSINT ના રિપોર્ટમાં ખુલાસો - 40% પાકિસ્તાની એકાઉન્ટ્સ દ્વારા ફેલાવવામાં આવી હતી ખોટી માહિતી

નવી દિલ્હી | તા.20: શ્રીલંકાના દરિયાકાંઠે ઈરાની યુદ્ધ જહાજ 'IRIS દેના' પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યારબાદ તે ડૂબી જવાની ઘટનાને લઈને પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક ઝેરીલો પ્રચાર શરૂ કર્યો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ અને ડેટા વિશ્લેષકોએ પાકિસ્તાનના આ જૂઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને તેના સહયોગીઓએ સોશિયલ મીડિયા પર ભારતની છબી ખરડવા માટે એક સુનિયોજિત અભિયાન ચલાવ્યું હતું.

શું હતો પાકિસ્તાનનો ખોટો દાવો?

4 માર્ચે જ્યારે અમેરિકાએ ગાલે (શ્રીલંકા) નજીક ઈરાની ફ્રિગેટ 'IRIS દેના' ને નિશાન બનાવ્યું, ત્યારે પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એવી વાર્તા ફેલાવવામાં આવી કે ભારતે અમેરિકાને આ જહાજ અંગેની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. આ પ્રોપેગન્ડા પાછળનો હેતુ ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાનો હતો. રિપોર્ટ મુજબ, @TacticalTribun નામના એકાઉન્ટ પરથી શરૂ થયેલી આ પોસ્ટને સેંકડો પાકિસ્તાની એકાઉન્ટ્સ દ્વારા વાયરલ કરવામાં આવી હતી.

OSINT તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT) ના મૂલ્યાંકન અનુસાર, આ અફવા ફેલાવવામાં 40% પાકિસ્તાની એકાઉન્ટ્સ, 15% ઈરાન તરફી અને અન્ય કેટલાક નકલી AI જનરેટેડ વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જહાજ ડૂબ્યાના ગણતરીના કલાકોમાં જ 100 થી વધુ એકાઉન્ટ્સ પરથી 500 જેટલી પોસ્ટ્સ કરીને હેશટેગ ચલાવવામાં આવ્યા હતા. આ તપાસથી સ્પષ્ટ થયું છે કે આ કોઈ સામાન્ય પ્રતિક્રિયા નહીં, પરંતુ ભારત વિરુદ્ધનું ડિજિટલ યુદ્ધ (Information Warfare) હતું.

શ્રીલંકાના રાષ્ટ્રપતિનો સંસદમાં ખુલાસો

બીજી તરફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદમાં મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, શ્રીલંકા સરકારે માર્ચની શરૂઆતમાં મટ્ટાલા એરપોર્ટ પર બે અમેરિકી ફાઇટર જેટને ઉતરાણ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાએ દરિયામાં ઈરાની જહાજને નિશાન બનાવ્યું જેમાં 84 ખલાસીઓના મોત થયા હતા. નોંધનીય છે કે આ જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

(5:32 PM IST)