<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

સુપ્રીમ કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: 'મુખ્યમંત્રી મને ધમકાવી રહ્યા છે, હું મારા ઘરે જઈ શકતી નથી', મહિલાની અરજી પર જસ્ટિસ બોલ્યા- "તમે પણ નેતા છો, લડાઈ કોર્ટમાં લડો"

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે ફરિયાદ કરનાર મહિલાને સર્વોચ્ચ અદાલતનો ઝટકો; સુરક્ષાની માંગ સાથે દિલ્હીમાં રહેવા મજબૂર હોવાનો લગાવ્યો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી | તા.૨૦: કર્ણાટકના રાજકારણમાં ગરમાવો લાવનાર એક કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ગંભીર આરોપો લગાવનારી એક મહિલાએ પોતાની સુરક્ષાને લઈને સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે મહિલાને કોઈ તાત્કાલિક રાહત આપવાને બદલે હાઈકોર્ટનો સંપર્ક કરવા નિર્દેશ આપીને મોટો ઝટકો આપ્યો છે.

ધમકીઓ અને પથ્થરમારાના આક્ષેપો

અદાલતમાં મહિલાના વકીલે દલીલ કરી હતી કે, તેમની અસીલને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. વકીલે કહ્યું, "મારી અસીલ કર્ણાટકમાં પ્રવેશી શકતી નથી, તેમને દિલ્હીમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તેમના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને ગુંડાઓ મોકલીને મિલકત જપ્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે." મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સીએમ તરફથી મળી રહેલી ધમકીઓને કારણે તે પોતાના નિવાસસ્થાને જઈ શકતી નથી.

ન્યાયાધીશની ટકોર: "તમે પણ નેતા છો"

સુનાવણી દરમિયાન જ્યારે મહિલાના વકીલે વારંવાર સુરક્ષાની માંગ કરી, ત્યારે બેન્ચે વેધક સવાલ પૂછતા કહ્યું કે, "શું કર્ણાટકના મુખ્યમંત્રી તમારી પાછળ લોકોને દિલ્હી મોકલી રહ્યા છે?" વધુમાં ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે, "તમે પણ એક નેતા છો, તમારે તમારી લડાઈ કોર્ટમાં લડવી જોઈએ." જોકે, વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમની અસીલ કોઈ રાજકીય વ્યક્તિ નથી. કોર્ટે આ મામલે વધુ સુનાવણી મુલતવી રાખી છે અને રક્ષણ માટે હાઈકોર્ટમાં જવા જણાવ્યું છે.

ફિલ્મ 'કહાની-2'ના નિર્માતાને મોટી રાહત

આ જ દિવસે સુપ્રીમ કોર્ટે અન્ય એક મહત્વના ચુકાદામાં ફિલ્મ 'કહાની-2'ના નિર્માતા સુજોય ઘોષને મોટી રાહત આપી છે. ઝારખંડની અદાલતમાં ચાલી રહેલા કોપીરાઈટ ઉલ્લંઘનના કેસને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે હાઈકોર્ટના જૂના આદેશને બાજુ પર રાખીને ઘોષ સામેની તમામ કાયદાકીય કાર્યવાહીને ખારીજ કરી દીધી છે.

 

(5:44 PM IST)