<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

કેનેડામાં ભારત વિરુદ્ધના ષડયંત્રનો ફુગ્ગો ફૂટ્યો: RCMP ચીફનો મોટો સ્વીકાર - 'ભારત સરકાર કે એજન્ટો દમનકારી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી'

ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોના ગંભીર આરોપો પર કેનેડિયન પોલીસની સ્પષ્ટતા; પીએમ માર્ક કાર્નીની મુત્સદ્દીગીરી અને ભારત સાથેના સંબંધો સુધારવાની કવાયત વચ્ચે પોલીસ કમિશનર માઇક ડુહાઇમનું નિવેદન બન્યું ચર્ચાનું કેન્દ્ર

ઓટાવા: ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવમાં એક નવો અને અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના કમિશનર માઇક ડુહાઇમે એક સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું છે કે, કેનેડામાં હાલમાં ચાલી રહેલી કોઈપણ આંતરરાષ્ટ્રીય દમનકારી કે ગુપ્ત પ્રવૃત્તિઓ ભારત સરકાર સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા તેમની પાસે નથી. આ નિવેદન ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપોનું સીધું ખંડન કરતું હોવાનું જણાય છે.

જૂના આરોપો અને નવી વાસ્તવિકતા

એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કમિશનર ડુહાઇમે સ્પષ્ટ કર્યું હતું કે, કેનેડામાં લોકોમાં ડર ફેલાવવાની કે હેરાન કરવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે, પરંતુ તે કોઈપણ વિદેશી એન્ટિટી (દેશ) સાથે જોડાયેલી હોવાનું જણાતું નથી. તેમણે સ્વીકાર્યું હતું કે 2024 માં આપવામાં આવેલા તેમના નિવેદનો તે સમયની ચોક્કસ ફાઇલો પર આધારિત હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય દમનના કિસ્સાઓમાં કોઈ દેશ સાથે સીધી કડી સ્થાપિત કરવી અત્યંત મુશ્કેલ હોય છે. આ ખુલાસાથી ભારતનું એ સ્ટેન્ડ સાચું સાબિત થયું છે કે કેનેડા માત્ર રાજકીય હેતુઓ માટે ભારતને નિશાન બનાવી રહ્યું હતું.

ટ્રુડોનો કાર્યકાળ અને રાજદ્વારી વિવાદ

નોંધનીય છે કે 2023 માં તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને દેશોએ એકબીજાના હાઈ કમિશનર સહિત છ-છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ભારતે હંમેશા આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને પુરાવા માંગ્યા હતા, જે કેનેડા ક્યારેય આપી શક્યું નહોતું.

પીએમ માર્ક કાર્નીનો નવો અભિગમ

કેનેડાના વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની હવે ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા માટે સક્રિય દેખાઈ રહ્યા છે. પીએમ કાર્ની અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પાછલા કેટલાક મહિનાઓમાં ત્રણ મુલાકાતો થઈ ચૂકી છે. જોકે, કેનેડામાં સક્રિય ખાલિસ્તાની તત્વોને કારણે કાર્ની પર દબાણ છે, પરંતુ RCMP ચીફના આ નિવેદન બાદ હવે કેનેડા સરકાર પાસે ભારત સામે આંગળી ચીંધવા માટે કોઈ નક્કર કારણ બચ્યું નથી.

સંબંધો સુધારવા તરફ પ્રયાણ

ગયા ઉનાળામાં બંને દેશોએ નવા હાઈ કમિશનરોની નિમણૂક કરીને સંબંધો સુધારવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું હતું. જોકે, કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી (CSIS) હજુ પણ ભારતને શંકાની નજરે જોઈ રહી છે, પરંતુ કેનેડાની મુખ્ય તપાસ એજન્સી RCMP દ્વારા ક્લીનચીટ જેવું નિવેદન મળતા ભારત માટે આ એક મોટી રાજદ્વારી જીત ગણવામાં આવી રહી છે.

(6:22 PM IST)