તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
ઓસ્ટ્રેલિયન પીએમની હાલત કફોડી: મસ્જિદમાં ઈદની નમાઝ સમયે વિરોધના વંટોળ વચ્ચે 'કૂતરો' કહીને ભગાડ્યા
ગાઝા યુદ્ધની આગ સિડનીની ગલીઓ સુધી પહોંચી: એન્થોની અલ્બેનીઝને 'નરસંહારના સમર્થક' ગણાવી મુસ્લિમ સમુદાયે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો : સુરક્ષાકર્મીઓએ માંડ-માંડ બચાવ્યા

સિડની: ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં ઈદ જેવા પવિત્ર તહેવારના દિવસે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો છે. સિડનીની વિખ્યાત લેકેમ્બા મસ્જિદમાં જ્યારે પીએમ નમાઝમાં સામેલ થવા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર ભીડનો પારો અચાનક સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકોએ "ગેટ આઉટ" અને "શેમ ઓન યુ" ના નારા લગાવીને વડાપ્રધાનનો પીછો કર્યો હતો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે એક પ્રદર્શનકારીએ જાહેરમાં તેમને અપશબ્દો કહીને અપમાનિત કર્યા, જેના કારણે સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
આ વિરોધ પાછળનું મુખ્ય કારણ ગાઝા યુદ્ધ અને ઇઝરાયલ પ્રત્યેની ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓ હોવાનું માનવામાં આવે છે. વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે સરકાર નરસંહારને સમર્થન આપી રહી છે. મસ્જિદના આયોજકોએ લોકોને શાંત પાડવા માટે સતત અપીલ કરી હતી કે આ ખુશીનો દિવસ છે, પરંતુ ગુસ્સે ભરાયેલા ટોળાએ કોઈનું સાંભળ્યું નહીં. પીએમ અલ્બેનીઝ અને ગૃહમંત્રી ટોની બર્કને સુરક્ષા કવચ વચ્ચે મસ્જિદની બહાર કાઢવા પડ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયાની આંતરિક સુરક્ષા અને ધ્રુવીકરણ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ, પીએમ અલ્બેનીઝે આ ઘટનાને હળવાશથી લેવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે 30,000ની ભીડમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો જ વિરોધ કરી રહ્યા હતા. જોકે, આ ઘટનાએ ઓસ્ટ્રેલિયામાં યહૂદી અને મુસ્લિમ સમુદાય વચ્ચે વધતી જતી ખાઈને સ્પષ્ટ કરી દીધી છે. યહૂદી સમુદાય પહેલેથી જ સરકાર પર તેમની સુરક્ષાની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે મુસ્લિમ સમુદાય વિદેશ નીતિને લઈને નારાજ છે. આગામી સમયમાં આ રાજકીય અને સામાજિક તણાવ ઓસ્ટ્રેલિયન સરકાર માટે મોટી માથાભારે સમસ્યા બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
