ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
નવરાત્રિના ફરાળમાં 'ઝેર': યુપીમાં કૂટ્ટુનો લોટ ખાતા ADM સહિત 50 લોકોની હાલત બગડી : હોસ્પિટલો ઉભરાઈ
બાગપત અને બિજનૌરમાં ફરાળી વાનગી ખાધા બાદ ઉલટી-બેચેનીના કેસ વધ્યા: ખાદ્ય વિભાગની ટીમો એક્શનમાં : ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપત અને બિજનૌર જિલ્લામાં નવરાત્રિના પવિત્ર પર્વ વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી છે. નવરાત્રિનો ઉપવાસ હોવાથી ફરાળમાં કૂટ્ટુ (બદામ/દાળિયા) ના લોટમાંથી બનાવેલી વાનગીઓ ખાધા બાદ એક એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) સહિત અંદાજે 50 જેટલા લોકો ઝેરી અસરનો શિકાર બન્યા છે. બાગપતના ADM શિવ નારાયણ સિંહ અને તેમના સ્ટાફે ગુરુવારે સાંજે ફરાળ કર્યું હતું, જેના થોડા જ સમય બાદ તેમને અચાનક ઉલટી, ચક્કર અને ગભરામણ થવા લાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે.
માત્ર ઉચ્ચ અધિકારીઓ જ નહીં, પરંતુ કાસિમપુર ખેડી, મલકાપુર અને બાવલી ગામના અનેક પરિવારો પણ આ 'ઝેરી ફરાળ'નો ભોગ બન્યા છે. બિજનૌર જિલ્લાના નજીબાબાદ અને મંડાવલી વિસ્તારમાં પણ 30થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પીડિતોના જણાવ્યા અનુસાર, લોટમાંથી બનાવેલી પૂરી કે પકોડા ખાધાના અડધા કલાકમાં જ શરીર ધ્રૂજવા લાગ્યું હતું અને અસહ્ય બેચેની થવા લાગી હતી. હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તહેવારના સમયે સર્જાયેલી આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં ભારે ફાળ પાડી છે.
આ ઘટના બાદ ખાદ્ય સુરક્ષા વિભાગ હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ દુકાનો પર દરોડા પાડીને લોટના નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ડેપ્યુટી કમિશનર ડી.પી. સિંહે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ ભેળસેળિયા વેપારીને છોડવામાં આવશે નહીં. વહીવટીતંત્રે જનતાને અપીલ કરી છે કે નવરાત્રિ દરમિયાન ખુલ્લો લોટ ખરીદવાનું ટાળે અને માત્ર વિશ્વાસપાત્ર તથા પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ કરે. નમૂનાઓના લેબ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
