<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

SBI ગ્રાહકો માટે લોટરી! ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં મોટો ઉછાળો : જાણો નવા દરોની વિગત

બેંકિંગ ક્ષેત્રે 'રિવર્સ ટ્રેન્ડ': અન્ય બેંકો વ્યાજ દરો ઘટાડી રહી છે ત્યારે દેશની સૌથી મોટી સરકારી બેંકે રોકાણકારોને આપી હોળીની ભેટ : ૧૫ માર્ચ ૨૦૨૬થી અમલી બન્યા નવા નિયમો

જમ્મુ:  રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને આર્થિક ફાયદો કરાવવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જ્યારે હાલના સમયમાં ઘણી ખાનગી અને સરકારી બેંકો પોતાના વ્યાજ દરોમાં કાપ મૂકી રહી છે, ત્યારે SBI એ બલ્ક FD (મોટા રોકાણો) પર વ્યાજ દરમાં અંદાજે 0.25% નો વધારો કરીને બજારમાં ખળભળાટ મચાવ્યો છે. આ નવા દરો ૧૫ માર્ચ, ૨૦૨૬ થી અમલમાં આવી ગયા છે, જેનો સીધો લાભ લાખો થાપણદારોને મળશે.

બેંકના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને વિવિધ મુદતની એફડી પર હવે પહેલા કરતા વધુ વળતર મળશે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ સમાચાર આશીર્વાદ સમાન છે, કારણ કે તેમને સામાન્ય ગ્રાહકો કરતા અડધો ટકો વધુ વ્યાજ મળતું હોય છે, જે હવે આ વધારા સાથે વધુ આકર્ષક બનશે. મોંઘવારીના સમયમાં સલામત રોકાણ શોધી રહેલા મધ્યમ વર્ગના પરિવારો માટે SBI ની આ સ્કીમ અત્યારે સૌથી લોકપ્રિય સાબિત થઈ રહી છે. બેંકના અધિકારીઓના મતે, આ પગલાથી બેંકમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) વધશે અને વધુને વધુ લોકો લાંબા ગાળાના રોકાણ તરફ પ્રેરાશે.

જોકે, આ આકર્ષક વ્યાજ દરોની સાથે બેંકે એક મહત્વની શરત પણ મૂકી છે. જો કોઈ ગ્રાહક તેની એફડી મુદત પૂરી થતા પહેલા એટલે કે 'પ્રિ-મેચ્યોર' ઉપાડે છે, તો તેને 1% પેનલ્ટી (દંડ) ચૂકવવો પડશે. આનો અર્થ એ થયો કે જો તમે અધવચ્ચેથી પૈસા ઉપાડો છો, તો તમને મળવાપાત્ર કુલ વ્યાજમાં ૧ ટકાનો ઘટાડો થશે. તેથી, નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ગ્રાહકોએ આ નવા ઊંચા વ્યાજ દરોનો પૂરેપૂરો લાભ લેવા માટે નિશ્ચિત મુદત સુધી પૈસા રોકી રાખવા જોઈએ.

 

(7:43 PM IST)