<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મમતા બેનર્જીનો માસ્ટરસ્ટ્રોક: TMCના ચૂંટણી ઢંઢેરામાં '૧૦ પ્રતિજ્ઞાઓ'ની જાહેરાત, 'લક્ષ્મીર ભંડાર' યોજનામાં ₹૫૦૦નો વધારો અને ઘરઆંગણે મળશે મફત સારવાર

ચોથી વખત સત્તા મેળવવા માટે મમતા દીદીનું કલ્યાણકારી કાર્ડ; 'દુઆરે ચિકિત્સા' હેઠળ દરેક બ્લોકમાં લાગશે હેલ્થ કેમ્પ, મહિલાઓને દર મહિને ₹૧૭૦૦ સુધીની આર્થિક સહાય આપવાનું વચન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે ત્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શુક્રવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને જનતાને રીઝવવા માટે ૧૦ મોટા વચનો આપ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઢંઢેરાને પોતાની સરકાર માટેનો 'માર્ગદર્શક નકશો' ગણાવતા કહ્યું કે, જો તેઓ સતત ચોથી વખત સત્તામાં આવશે તો બંગાળના દરેક ઘર સુધી સુખ અને સમૃદ્ધિ પહોંચાડશે.

'દુઆરે ચિકિત્સા': ઘરઆંગણે મળશે ડોક્ટર

TMCના ઢંઢેરાનું સૌથી મહત્વનું પાસું 'દુઆરે ચિકિત્સા' (આંગણે સારવાર) યોજના છે. 'દુઆરે સરકાર'ની સફળતા બાદ હવે મમતા સરકારે વચન આપ્યું છે કે રાજ્યના દરેક બ્લોક અને શહેરોમાં નિયમિતપણે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ યોજના હેઠળ લોકોને સામાન્ય બીમારીઓથી લઈને અન્ય તપાસ માટે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ સીધી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

મહિલાઓ માટે મોટી ભેટ

બંગાળની મહિલાઓમાં અત્યંત લોકપ્રિય એવી 'લક્ષ્મીર ભંડાર' યોજના હેઠળ મળતી માસિક સહાયમાં મમતા બેનર્જીએ ₹૫૦૦નો તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વચન મુજબ, સામાન્ય શ્રેણીની મહિલાઓને હવે દર મહિને ₹૧,૦૦૦ ને બદલે ₹૧,૫૦૦ મળશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયની મહિલાઓને હવે દર મહિને ₹૧,૭૦૦ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પગલા દ્વારા TMC મહિલા મતદારોને પોતાની તરફેણમાં મજબૂત કરવા માંગે છે.

વિકાસનું પૈડું અટકશે નહીં

મમતા બેનર્જીએ ઢંઢેરો રજૂ કરતા ભાવુક અપીલ કરી હતી કે, તેમની '૧૦ પ્રતિજ્ઞાઓ' આગામી પાંચ વર્ષની વિકાસયાત્રાનો પાયો છે. તેમણે માળખાગત સુવિધાઓના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના વિસ્તરણ પર ભાર મૂક્યો છે. વિપક્ષો જ્યારે ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે, ત્યારે મમતા દીદીએ ફરી એકવાર 'જનસેવા' અને 'બંગાળ મોડેલ' પર ભરોસો મૂકીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

 

(8:26 PM IST)