તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
બાંગ્લાદેશમાં તારિક રહેમાન સરકારના આગમન બાદ ભારત સાથે મૈત્રીનો નવો અધ્યાય: એપ્રિલમાં વિદેશ મંત્રી ખલીલુર રહેમાનની દિલ્હી મુલાકાતની શક્યતા, વર્ષોના તણાવ બાદ સંબંધો સુધારવા કવાયત
પીએમ મોદીના પત્રનો તારિક રહેમાને આપ્યો સકારાત્મક પ્રતિસાદ; સમાનતા અને પરસ્પર વિશ્વાસના પાયા પર જોડાણ વધારવા બાંગ્લાદેશ આતુર, પડોશી દેશો ભૂટાન કે માલદીવથી શરૂ થઈ શકે છે નવા વડાપ્રધાનનો પ્રથમ વિદેશ પ્રવાસ

નવી દિલ્હી : બાંગ્લાદેશના રાજકારણમાં આવેલા મોટા પલટા બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસો તેજ થયા છે. ઢાકામાં તારિક રહેમાનના નેતૃત્વમાં નવી સરકારની રચના થયા બાદ, બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન આગામી એપ્રિલ માસમાં ભારતની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા અભૂતપૂર્વ તણાવને દૂર કરી સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મહત્વનું ડગલું માનવામાં આવી રહ્યું છે.
મોદી અને રહેમાન વચ્ચે પત્ર વ્યવહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સરકારના શપથ ગ્રહણ સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મારફતે તારિક રહેમાનને એક ખાસ પત્ર પાઠવ્યો હતો. આ પત્રના જવાબમાં રહેમાને ભારત સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં તારિક રહેમાને જણાવ્યું હતું કે, તેમની સરકાર ભારત સાથેના જોડાણને ગૌરવ, સમાનતા અને પરસ્પર આદરના આધારે આગળ વધારવા માંગે છે. તેમણે ભારતના 'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનનો ઉલ્લેખ કરી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રાજદ્વારી મુલાકાતોનો દોર
ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ તાજેતરમાં જ ઢાકામાં વિદેશ મંત્રી ખલીલુર રહેમાન સાથે મુલાકાત કરી હતી અને તેમને વિદેશ મંત્રી એસ. જયશંકર તરફથી ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ખલીલુર રહેમાન ૮ એપ્રિલના રોજ મોરેશિયસ જતી વખતે નવી દિલ્હીમાં રોકાણ કરી શકે છે, જ્યાં બંને દેશોના નેતાઓ વચ્ચે અર્થપૂર્ણ ચર્ચાઓ થવાની અપેક્ષા છે. ભારત સરકારે પણ સંકેત આપ્યા છે કે તેઓ જૂના દ્વેષને ભૂલીને નવી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સરકાર સાથે મજબૂત ભાગીદારી કરવા માટે તૈયાર છે.
તારિક રહેમાનની વિદેશ નીતિ
નવી સરકારની વિદેશ નીતિ કોઈ એક પ્રાદેશિક શક્તિ તરફ ન ઝૂકે તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન તારિક રહેમાન તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ ભારત કે ચીનને બદલે ભૂટાન અથવા માલદીવ જેવા પડોશી દેશોથી શરૂ કરી શકે છે. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના શપથ ગ્રહણમાં હાજર રહ્યા હોવાથી, રહેમાન સૌજન્ય મુલાકાત તરીકે થિમ્પુ જઈ શકે છે. જોકે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કનેક્ટિવિટી, વેપાર અને ઉર્જા ક્ષેત્રે જે રીતે સહયોગ વધારવાની વાતો થઈ રહી છે, તે જોતા દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
