ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ: દિગ્ગજ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને કોમેન્ટ્રીમાંથી લીધી નિવૃત્તિ, BCCI પર લગાવ્યો ‘જાતિવાદ’ અને ભેદભાવનો સનસનીખેજ આરોપ
૨૩ વર્ષ સુધી માઈક સંભાળ્યા બાદ લેગ-સ્પિનરે ક્રિકેટ બોર્ડ સામે ખોલ્યો મોરચો; ટોસ અને ઈનામ વિતરણમાં અવગણના થતી હોવાનો દાવો, નવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાના બોર્ડના વલણથી નારાજ થઈને કોમેન્ટ્રી પેનલને કહી અલવિદા

રાજકોટ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પૂર્વ ક્રિકેટરો વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તિરાડ જોવા મળી રહી છે. ૧૯૮૦ના દાયકામાં પોતાની ગુગલી અને લેગ-સ્પિનથી દુનિયાભરના બેટ્સમેનોને નચાવનાર પૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને શુક્રવારે BCCIની કોમેન્ટ્રી પેનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, આ નિવૃત્તિ સામાન્ય નથી, કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને બોર્ડ પર જાતિવાદ અને પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યા છે, જેનાથી રમત જગતમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
૨૩ વર્ષની સેવા અને અન્યાયની ફરિયાદ
૧૭ વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવરામકૃષ્ણન છેલ્લા ૨૩ વર્ષથી કોમેન્ટેટર તરીકે કાર્યરત હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, આટલા લાંબા અનુભવ છતાં તેમને ક્યારેય મહત્વના પ્રસંગો જેવા કે ટોસ અથવા ઇનામ વિતરણ સમારોહ (Presentation Ceremony) માં મોકલવામાં આવ્યા ન હતા. તેમની ફરિયાદ છે કે બોર્ડ દ્વારા હંમેશા પિચ રિપોર્ટ અને ટોસ માટે નવા અને માનીતા લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જે સીધો ભેદભાવ દર્શાવે છે.
BCCI પર જાતિવાદનો આક્ષેપ
શિવરામકૃષ્ણનનો સૌથી ચોંકાવનારો આરોપ 'જાતિવાદ' (Casteism) ને લઈને છે. તેમણે સંકેત આપ્યો છે કે પસંદગીની પ્રક્રિયામાં કુશળતાને બદલે અન્ય પરિબળો કામ કરી રહ્યા છે. ૨૦૨૬માં જ્યારે ભારતીય ક્રિકેટ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે એક વરિષ્ઠ ખેલાડી દ્વારા બોર્ડ પર આવા પાયા વગરના ન કહી શકાય તેવા આક્ષેપો થવા તે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, શિવરામકૃષ્ણન તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે અને અગાઉ પણ તેમણે કોમેન્ટ્રી પેનલની પસંદગી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા.
ક્રિકેટ કારકિર્દીથી કોમેન્ટ્રી સુધીની સફર
૧૯૮૦ના દાયકામાં હલચલ મચાવનાર આ સ્પિનરની ક્રિકેટ કારકિર્દી ભલે ટૂંકી રહી હોય, પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં તેમનો અવાજ ક્રિકેટ ચાહકો માટે જાણીતો હતો. હવે જ્યારે તેમણે બોર્ડ સાથે છેડો ફાડ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે BCCI આ ગંભીર આરોપો પર કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરે છે કે કેમ. હાલમાં તો સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે; કેટલાક શિવરામકૃષ્ણનના સમર્થનમાં છે, તો કેટલાક આને અંગત નિરાશા ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
