રામ ગોપાલ વર્મા નો સોશિયલ મીડિયા પર વિસ્ફોટ: 'ધુરંધર 2'ને ગણાવી બોલિવૂડના જૂના જમાનાના સ્ટારડમની 'સ્મશાનયાત્રા'
રણવીર સિંહના પાત્ર સામે સિક્સ-પેક એબ્સ અને હવામાં ઉડતા હીરોને 'સર્કસના જોકર' કહીને ઉડાવી મજાક

મુંબઈ: ભારતીય સિનેમાના સૌથી બેબાક ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (RGV) એ ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદિત્ય ધર દિગ્દર્શિત 'ધુરંધર 2: ધ રીવેન્જ' જોયા બાદ વર્માએ તેને માત્ર એક ફિલ્મ નહીં પણ મસાલા ફિલ્મો બનાવતા નિર્માતાઓ માટે 'હોરર ફિલ્મ' ગણાવી છે. તેમણે લખ્યું કે, જે ડાયરેક્ટરો પ્રેક્ષકોને 'ઘેટાં' સમજીને મગજ વગરનું સિનેમા પીરસે છે, તેમના માટે હવે વેન્ટિલેટર પર જવાનો સમય આવી ગયો છે. રણવીર સિંહના અભિનયના વખાણ કરતા તેમણે કહ્યું કે આ ફિલ્મે એવા નકલી હીરોનો વધ કર્યો છે જેમને ક્યારેય પરસેવો નથી વળતો કે લોહી નથી નીકળતું.
વર્માએ પોતાની લાંબી પોસ્ટમાં બોલિવૂડના એક્શન ડાયરેક્ટરો અને ડિઝાઇનર કપડાં પહેરીને ફરતા કલાકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમોની મજાક ઉડાવાય છે અને માણસો ૫૦ ફૂટ હવામાં ઉછળે છે, તેવા દ્રશ્યો હવે હાસ્યાસ્પદ લાગશે. 'ધુરંધર 2' માં રણવીર સિંહે એક એવા હીરોને જન્મ આપ્યો છે જે ખામીયુક્ત છે પણ અસલી છે. વર્માના મતે, આ ફિલ્મ જોયા પછી એવા તમામ કલાકારો ધ્રૂજી જશે જેઓ માને છે કે તેમની હેરસ્ટાઇલ, કોસ્ચ્યુમ અને ફોટોશોપ કરેલા સિક્સ-પેક એબ્સથી પાત્ર બને છે, કારણ કે આદિત્ય ધરની ફિલ્મે બતાવ્યું છે કે હીરોની ખરી શક્તિ તેના સ્નાયુઓમાં નહીં પણ મગજમાં હોય છે.
અંતમાં, રામ ગોપાલ વર્માએ હાલમાં શૂટિંગ કરી રહેલા અથવા સ્ક્રિપ્ટ લખી રહેલા ફિલ્મ નિર્માતાઓને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સલાહ આપી કે જો આ નિર્માતાઓ હજુ પણ પોતાની જૂની પદ્ધતિઓ નહીં બદલે અને 'ધુરંધર 2' ના પ્રભાવમાંથી મુક્ત થઈને ફરીથી કામ નહીં કરે, તો ભગવાન પણ તેમના આત્માને બચાવી શકશે નહીં. તેમણે આદિત્ય ધરની પ્રતિભાના વખાણ કરતા કહ્યું કે, અન્ય નિર્માતાઓ પાસે પૈસા હોઈ શકે છે, પણ આદિત્ય જેવું તેજસ્વી મગજ લાવવું અશક્ય છે. વર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને બોલિવૂડમાં 'કોન્ટેન્ટ વિરુદ્ધ માસ સિનેમા'ની નવી ચર્ચા છેડી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
