News of Saturday, 21st March 2026
રાજકીય પક્ષોએ કોઈ પણ ચૂંટણી જાહેરાતોનું પ્રી-સર્ટિફિકેશન કરાવવું પડશે અને ઉમેદવારે નામાંકન વખતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો રજૂ કરવી પડશે
૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પૂર્વે પારદર્શિતા લાવવા મોટો નિર્ણયઃ એમસીએમસીની મંજૂરી વિના નહીં આપી શકાય કોઈ જાહેરાત : સોશિયલ મીડિયા અને પેઇડ ન્યૂઝ પર ઈસીઆઈની બાજનજરઃ ઉમેદવારોના ઓનલાઇન પ્રચારનો ખર્ચ પણ ચૂંટણી ખર્ચમાં જોડાશે

નવી દિલ્હી તા.૨૧ઃ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઈ) દ્વારા એક કડક અને પારદર્શક આદેશ જારી કરવામાં આવ્યો છે. ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં થનારી ચૂંટણીઓમાં નકલી સમાચારો અને ગેરમાર્ગે દોરનારા પ્રચારને રોકવા માટે પંચે રાજકીય પક્ષો માટે મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિગ કમિટી (એમસીએમસી) પાસેથી તમામ ચૂંટણી જાહેરાતોનું પ્રી-સર્ટિફિકેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે જ, દરેક ઉમેદવારે પોતાનું નામાંકન ભરતી વખતે તેમના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો પણ ફરજિયાતપણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવી પડશે.
આગામી સમયમાં દેશના ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ મીડિયા, પ્રિન્ટ અને અન્ય પ્લેટફોર્મ્સ પર ફેલાતા ભ્રામક પ્રચારોને રોકવા તથા ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે પંચે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ નવા અને કડક આદેશ અનુસાર, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે રાજકીય પક્ષોએ કોઈ પણ ચૂંટણી જાહેરાતોનું પ્રી-સર્ટિફિકેશન કરાવવું પડશે. આ મંજૂરી રાજ્ય અને જિલ્લા સ્તરે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિગ કમિટી (એમસીએમસી) પાસેથી અગાઉથી લેવી ફરજિયાત રહેશે. ટેલિવિઝન, રેડિયો, ઈ-પેપર અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થતી કોઈપણ રાજકીય જાહેરાત આ સમિતિના સત્તાવાર પ્રમાણપત્ર વિના પ્રકાશિત કે પ્રસારિત કરી શકાશે નહીં.
આ ઉપરાંત, આદેશમાં સૌથી મોટી શરત એ મૂકવામાં આવી છે કે ઉમેદવારે નામાંકન (નોમિનેશન) ભરતી વખતે જ પોતાના સત્તાવાર અને અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો ચૂંટણી પંચ સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવી પડશે.
ઉમેદવારોએ તેમના સોગંદનામામાં (ફોર્મ ૨૬) તેમના ફેસબુક, એકસ (અગાઉનું ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ ચેનલ સહિતના તમામ પ્લેટફોર્મ્સની સત્તાવાર લિક અને માહિતી આપવી પડશે. આનો અર્થ એ છે કે ચૂંટણી પંચ હવે ઉમેદવારોના ઓનલાઇન વર્તન અને પ્રચાર પર સીધી નજર રાખી શકશે.
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઐતિહાસિક પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીમાં પેઇડ ન્યૂઝ અને હેટ સ્પીચ પર લગામ કસવાનો છે. ઉમેદવારો દ્વારા તેમના અધિકૃત સોશિયલ મીડિયા પર કરવામાં આવતા પ્રચારનો તમામ ખર્ચ પણ તેમના કુલ કાનૂની ચૂંટણી ખર્ચના ભાગરૃપે ગણવામાં આવશે.
જો કોઈ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે, તો આદર્શ આચારસંહિતા (એમસીસી) ના ભંગ બદલ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમની ઉમેદવારી પણ જોખમમાં મુકાઈ શકે છે. સ્થાનિક વહીવટીતંત્રને ઓનલાઇન ગતિવિધિઓ ટ્રેક કરવા માટે વિશેષ કંટ્રોલ રૃમ ઉભા કરવાના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
