<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ચેકરિટર્નના આરોપી સુધી પહોંચવા હવે ડિજિટલ રસ્‍તો

ટેકનોલોજીના જમાનામાં આરોપીની સોશિયલ મીડિયાની વિગતો આપવી જરૂરી

નવી દિલ્‍હી,તા.૨૧: ચેકરિટર્નની ફરિયાદમાં આરોપીઓ કોર્ટમાં હાજર થતા નથી, સમન્‍સની પણ બજવણી થવા દેતા નથી જેના કારણે મુળ ફરિયાદીને આર્થિક નુકસાનની સાથે સાથે માનસિક ત્રાસ પણ સહન કરવો પડે છે. આરોપીઓ ભાગી છૂટે નહીં અને તેઓ સરળથાથી પકડાઈ જાય તે માટે હવે સુપ્રિમ કોર્ટ દ્વારા ચેકરિટર્નના કેસમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે, જેમાં આરોપી સામે ફરિયાદ નોંધતા સમયે ફરિયાદીએ આરોપીનો મોબાઇલ નંબર, ઈ-મેઇલ એડ્રેસ, સોશીયલ મીડિયા જેવા કે ઈનસ્‍ટાગ્રામ, ફેસબુક, વ્‍હોટ્‍સએપ સહિતની વિગતો આપવા માટે જણાવાયું છે. આ કારણથી જો આરોપી ભાગી જાય અને ટ્રાયલમાં વિલંબ થાય તો અન્‍ય પુરાવાના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે.

કરોડો રૂપિયાના વ્‍યવહારમાં મોટાભાગે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. એક વ્‍યક્‍તિ બીજાને ચેક આપે છે અને તે ચેકના કારણે બેંકમાંથી વ્‍હાઇ ટના રૂપિયાની આપ-લે થાય છે. પરંતુ અનેક કિસ્‍સામાં ચેક રિટર્ન થવાના કારણે ચેક આપનાર વ્‍યક્‍તિની સામે કોર્ટમાં કેસ કરવામાં આવે છે. ઠગાઈ કરવાના ઈરાદે આપવામાં આવેલા અનેક ચેકોમાં ચેક આપનાર વ્‍યક્‍તિ કોર્ટમાં કેસ થયા બાદ ભાગી છૂટે છે, જેના કારણે મુળ ફરિયાદીએ કોર્ટના ધક્કા ખાવા પડે છે, ઉપરાંત તેઓને પોતાની મુડી પણ મળતી નથી અને આખરે આરોપીને ફાયદો થઈ જાય છે. ફરિયાદીઓને રાહત આપવા અને તેઓની મુડી સુરક્ષિત રહે તે માટે આરોપીઓને પકડવા માટે હવે ડિજીટલી તેમજ સામાજીક રસ્‍તાઓનો ઉપયોગ કરાશે. સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ હવે આગામી દિવસોમાં ચેકરિટર્નની ફરિયાદ કરતા સમયે આરોપીઓના મોબાઇલ નંબર સહિત તે કયા કયા સોશીયલ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરે છે તેની પણ માહિતી આપવી પડશે.

ખોટી ફરિયાદ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે

એડવોકેટ અશ્વિન જોગડીયાએ માહિતી આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની કીમીનલ અપીલ સંજાબીજ તારી વિરુદ્ધ કિશોર એસ. બોરકરના ચૂકાદાને ધ્‍યાને રાખીને એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં આરોપીને પકડવા માટે સોશીયલ મીડિયા માધ્‍યમની વિગતો જાહેર કરવાનો નિર્દેશ કરાયો છે. આ ઉપરાંત જો ફરિયાદી ખોટા કેસ કરશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્‍યું છે. આ કારણે ચેકરિટર્નના ખોટા કેસો થતા અટકશે અને કોર્ટનું ભારણ પણ ઘટશે.

(9:54 AM IST)