News of Saturday, 21st March 2026
નેચરલ ડાયમંડની રફમાં ૪ થી ૧૧ ટકાના કડાકાથી ગભરાટ
લેબગ્રોન અને નેચરલ હીરા વચ્ચેનો ભાવ તફાવત ઘટતા બજારમાં ચિંતા

મુંબઈ,તા.૨૧: વિશ્વના હીરાના કારખાના ગણાતા સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક આર્થિક મંદીની સીધી અસર હવે નેચરલ ડાયમંડ પર જોવા મળી રહી છે. તાજેતરમાં જ નેચરલ ડાયમંડની રફના ભાવમાં ૪ થી ૧૧ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે જેના કારણે સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
હિરા ઉધોગની સ્થિતીમાં થોડો ઘણો સુધારો થાય તેવા સંજોગો ઉભા થાય અને તેના થોડા દિવસો જ નવી ઉપાધી આવી જતી હોય છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રશિયા- યુક્રેનનું યુધ્ધ શાંત પડવાનું નામ નથી લેતું અને તે વચ્ચે ઇરાન અને અમેરીકા- ઇઝરાયલ વચ્ચે યુધ્ધ શરુ થયું છે. આ કારણોસર ડોલરના ભાવમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે જ નેચરલ ડાયમંડની રફના ભાવમાં સીધો ૪થી લઈને ૧૧ ટકા સુધીનો ઘટાડો નોંધાતા હિરા બજારમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે અત્યાર સુધીમાં આટલી મોટી માત્રામાં નેચરલ ડાયમંડની રફમાં ઘટાડો થયો નથી. આવી જ સ્થિતી યથાવત રહી તો નેચરલ ડાયમંડના હિરા ઉધોગકારોની સાથે સાથે રત્ન કલાકારો અને તેની સાથે સંકળાયેલાઓની પણ હાલત કફોડી થવાનું જાણકારો અત્યારથી જ કહી રહ્યા છે. હીરા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રફના ભાવ ઘટવા છતાં પોલિશ્ડ હીરાની માંગ નહીં હોવાથી મેન્યુફેક્ચરિગ યુનિટ્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. તૈયાર હીરાના સ્ટોકનું મૂલ્ય ઘટતા વેપારીઓની મૂડી ધોવાઈ રહી છે. નાના અને મધ્યમ કદના કારખાના માલિકો માટે હવે એકમો ચલાવવા મુશ્કેલ બન્યા છે, જેની સીધી અસર રત્નકલાકારોના વેતન અને રોજગારી પર પડી રહી છે
ભાવ ઘટાડાના આ છે કારણો
ce આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો સ્થિર ન હોવાથી આયાત-નિકાસના ગણિત બગડયા છે, જેનાથી વેપારીઓ નવા સોદા કરતા ડરી રહ્યા છે. સૌથી ચોકાવનારી બાબત એ છે કે હવે નેચરલ હીરાના ભાવ પણ તૂટીને લેબગ્રોન ડાયમંડની નજીક પહોંચી રહ્યા છે. ખાસ કરીને પતલી (નાની સાઈઝ) થી લઈને જાડી સાઈઝના હીરાના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે. તે જોતા આગામી સમયમાં બંને વચ્ચેનો ભાવ તફાવત લગભગ નાબુદ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
માલનું વેચાણ કરવા ભાવ ઘટાડો કરાયાનો મત
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રશિયા પરના પ્રતિબંધો અને રશિયન માઈનિગ કંપની અલરોઝા પરના દબાણને કારણે સપ્લાય ચેઈનમાં મોટો ફેરફાર આવ્યો છે. બીજી તરફ અમેરિકા અને ચીન જેવા મોટા ગ્રાહક દેશોમાં લક્ઝરી આઈટમ્સની માંગમાં ૨૫-૩૦%નો ઘટાડો થયો છે. પરિણામે, માઈનિગ કંપનીઓએ માલ વેચવા માટે ભાવ ઘટાડવાની ફરજ પડી છે. જે રફ અગાઉ ઊંચા ભાવે ખરીદાઈ હતી. તેની સામે હવે પોલિશ્ડ હીરાના ભાવ મળતા નથી. રફના ભાવમાં ઘટાડો કરવામાં આવે તો વેચાણમાં વધારો થાય તેવો પણ મત સેવવામાં આવી રહ્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
