News of Saturday, 21st March 2026
ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવ ૭૦ ટકા ઘટશે
હવે દેશની અનેક ફાર્મા કંપનીઓ ઓઝેમ્પિકની જેનરિક દવા બનાવશે : વજન ઉતારવા માટે પણ ઓઝેમ્પિકનો ઉપયોગ થાય છેઃ વર્ષના અંતે ૫૦ બ્રાન્ડનેમથી દવા માર્કેટમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા

નવી દિલ્હી,તા.૨૧: ડેનમાર્કની નોવો નોર્ડિક્સ નામની કંપની પાસે ડાયાબિટિસની બહુ ચર્ચિત દવા ઓઝેમ્પિકની પેટન્ટ હતી. ભારત સહિતના ઘણાં દેશોમાં એની પેટન્ટ એક્સપાયર થઈ છે. આજથી જ આ દવા પેટન્ટ ફ્રી થઈ જતાં હવે અનેક કંપનીઓ તેને લોંચ કરશે અને તેના કારણે અત્યાર સુધી આ દવાના માર્કેટમાં જે મોનોપોલી હતી તેનો અંત આવશે. ૧૦થી ૧૪ હજાર સુધી મહિનાની દવા થતી હતી તે હવે માત્ર ૧૦૦૦થી ૧૫૦૦ની થઈ જવાની શક્યતા છે.
૭ઓઝેમ્પિક બહુ ચર્ચાસ્પદ દવા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેને ૨૦૧૭માં પરવાનગી આપી પછી તો એ દવા એટલી લોકપ્રિય થઈ ગઈ કે દુનિયાભરમાં એની ચર્ચા હતી. માત્ર ડાયાબિટિસમાં જ નહીં, વજન ઉતારવામાં પણ તે મદદરૂપ બનતી હોવાથી લાખો લોકો તેનું સેવન કરવા લાગ્યા હતા. ઓઝેમ્પિક જીએલપી-૧ની કોપી કરીને ટાઈપ-૨ ડાયાબિટિસ ઘટાડે છે. જીએલપી-૧ એટલે ગ્લુકેગોન-લાઈક પેપ્ટાઈડ-૧.
ભારતમાં આ દવા વજન ઘટાડવામાં ઉપયોગમાં લેવાયાનો મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચી ચૂક્યો હતો અને હાઈકોર્ટે આ મામલે સરકારનો જવાબ પણ માંગ્યો હતો. જોકે, સત્તાવાર રીતે કંપની તેને ડાયાબિટિસની દવા જ માને છે. તેના વિશે ઘણી માન્યતાઓ લોકોમાં પ્રવર્તે છે, પરંતુ નિષ્ણાત ડોક્ટર્સની સલાહથી તેના સેવનની ભલામણ કરવામાં આવે છે. કારણ કે ઘણાં દર્દીઓને તેનાથી ઉબકા આવવા, ઉલટી થવી, કબજિયાત, પેટમાં દુખાવો કે ઝાડા થઈ જવાની સાઈડ ઈફેક્ટ થાય છે.
ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થઈ જતાં ભારતમાં લગભગ ૪૨ કંપનીઓ ૫૦ પ્રકારની બાન્ડનેમ સાથે દવા લોંચ કરશે. તેના પરિણામે દવાના ભાવમાં ૭૦થી ૮૦ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. નોવો નોર્ડિક્સની પેટન્ટ ૨૧મી માર્ચે પૂરી થઈ છે, પરંતુ પશ્વિમના દેશોમાં આ કંપનીની દવાનો દબદબો રહ્યો છે. દવાની પેટન્ટ એક્સપાયર થઈ જતાં તેના જેનરિક બંધારણનો માર્ગ મોકળો થયો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
