News of Saturday, 21st March 2026
રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટમાં ગરમાવો : કેન્દ્ર સરકારે ‘અત્યંત ગુપ્ત’ દસ્તાવેજોને ટાંકી ઇન-કેમેરા સુનાવણીની કરી માંગ
જસ્ટિસ રાજીવ સિંઘની બેંચે હોમ મિનિસ્ટ્રીના અધિકારીઓ વિવેક મિશ્રા અને પ્રણવ રાયને તમામ રેકોર્ડ સાથે હાજર થવા આદેશ આપ્યો : બ્રિટિશ લિંક ધરાવતા દસ્તાવેજોના આધારે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના આક્ષેપો સાથેની અરજી પર હવે ૬ એપ્રિલે વધુ સુનાવણી

લખનૌ: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી મામલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા અદાલતે કેન્દ્ર સરકારને આ પ્રક્રિયામાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ.બી. પાંડેએ રજૂઆત કરી હતી કે ગૃહ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ પ્રકૃતિના હોવાથી આ મામલાની સુનાવણી ખુલ્લી અદાલતમાં ન કરવી જોઈએ. અદાલતે આ વિનંતી સ્વીકારીને ચેમ્બરમાં ઇન-કેમેરા કાર્યવાહી હાથ ધરી હતી.
ગૃહ મંત્રાલયના અધિકારીઓને રેકોર્ડ સાથે તેડું:
જસ્ટિસ રાજીવ સિંઘની બેંચ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગૃહ મંત્રાલયના અન્ડર સેક્રેટરી વિવેક મિશ્રા અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર પ્રણવ રાયને સંબંધિત તમામ રેકોર્ડ સાથે હાજર થવા માટે આદેશ અપાયો હતો. અદાલતે આ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કર્યા બાદ તે પરત સોંપ્યા હતા. અરજદાર એસ. વિગ્નેશ શિશિરની કેન્દ્ર સરકારને પક્ષકાર તરીકે જોડવાની માંગણી અદાલતે ગ્રાહ્ય રાખી હતી, જોકે આ તબક્કે કેસને ‘પાર્ટ હર્ડ’ તરીકે ગણવાની માંગણી ફગાવી દેવામાં આવી હતી અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેસ હજુ પ્રવેશ સ્તરે જ છે.
શું છે સમગ્ર વિવાદ?
કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટના ૨૮ જાન્યુઆરીના તે આદેશને પડકાર્યો છે, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાની તેમની માંગણી ફગાવી દેવામાં આવી હતી. અરજદારનો આક્ષેપ છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટિશ લિંક ધરાવતા દસ્તાવેજો મુજબ બેવડી નાગરિકતા છે, જે ભારતીય કાયદા મુજબ ગેરકાયદે છે. આ ગંભીર આક્ષેપો હેઠળ વિગતવાર તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૬ એપ્રિલના રોજ મુકરર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ‘કોન્ફિડેન્શિયલ’ દસ્તાવેજોમાં શું વિગતો છે અને નાગરિકતાના આ વિવાદમાં અદાલત આગામી દિવસોમાં શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર દેશની રાજકીય નજર ટકેલી છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
