<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

રાહુલ ગાંધીની આર્થિક સુનામીની ચેતવણી: "રૂપિયો પટકાશે અને મોંઘવારી રસોડાને સળગાવશે!"

ઘટતા રૂપિયા અને ઈંધણના વધતા ભાવ મુદ્દે કોંગ્રેસ નેતાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર: ચૂંટણી પૂરી થતા જ જનતાના ખિસ્સા લૂંટવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાનો ભય અને MSME ઉદ્યોગોના પતનનું પૂર્વાનુમાન

નવી દિલ્હી:   કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિને લઈને કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે ડોલર સામે સતત નબળા પડી રહેલા રૂપિયા અને ઔદ્યોગિક ઈંધણના વધતા ભાવોને એક મોટી 'આર્થિક સુનામી'ના સંકેતો ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા પ્રશ્ન કર્યો કે જ્યારે રૂપિયો ૧૦૦ની સપાટી તરફ જઈ રહ્યો હોય અને ઈંધણના ભાવ આસમાને હોય, ત્યારે સામાન્ય માણસની થાળીમાં હવે શું બાકી બચશે? તેમના મતે, સરકાર પાસે અર્થતંત્રને સાંભળવા માટે કોઈ નક્કર વ્યૂહરચના નથી અને તે માત્ર નિવેદનોબાજીમાં વ્યસ્ત છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ દ્વારા ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે સરકાર અત્યારે જાણીજોઈને શાંત છે, પરંતુ ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG)ના ભાવમાં આકરો વધારો કરીને જનતાના ખિસ્સા સીધા લૂંટવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈંધણના ભાવ વધવાથી પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવશે, જેની સીધી અસર રોજિંદા વપરાશની વસ્તુઓ પર પડશે. આ પરિસ્થિતિ દરેક મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારને પાયમાલી તરફ ધકેલી દેશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે.

માત્ર મોંઘવારી જ નહીં, પરંતુ નાના ઉદ્યોગો (MSME) અને શેરબજાર પર પડનારી નકારાત્મક અસર મુદ્દે પણ રાહુલે સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યું કે નબળા રૂપિયાને કારણે નાના ઉદ્યોગોનો કમરતોડ ફટકો પડશે અને વિદેશી રોકાણકારો (FII) ભારતમાંથી પોતાનું નાણું પાછું ખેંચી રહ્યા છે, જે શેરબજારને જોખમમાં મૂકી રહ્યું છે. સરકારની દિશાહીન નીતિઓને કારણે દેશનું આર્થિક માળખું જોખમમાં હોવાનો આરોપ લગાવીને તેમણે જનતાને આગામી દિવસોમાં આવનારી આર્થિક કટોકટી માટે સાવધ રહેવા અપીલ કરી છે.

(6:22 PM IST)