<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

બિહાર પંચાયત ચૂંટણી ૨૦૨૬: ગ્રામીણ રાજકારણમાં ગરમાવો, જૂનથી શરૂ થશે મતદાર યાદીનું કામ; પ્રથમ વખત 'મલ્ટી-પોસ્ટ EVM' થી થશે ઐતિહાસિક મતદાન

૮,૦૫૩ પંચાયતોના ૨.૫૦ લાખ પદો માટે જંગ: 'ફોર્મ ૧' ની આતુરતાથી જોવાય રહી છે રાહ, નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે ૧૧ તબક્કાનું મહાયુદ્ધ

પટના: બિહારમાં લોકશાહીના પાયા સમાન પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૨૬ની અંતિમ ત્રિમાસિકમાં યોજાનારી આ ચૂંટણીઓ માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્ય 'ફોર્મ ૧' ના પ્રકાશનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, જે જાહેર થયા બાદ તરત જ જિલ્લા સ્તરે નવા સીમાંકન અને મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયાને વેગ મળશે.
જૂન મહિનાથી મતદાર યાદીની કવાયત
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂન ૨૦૨૬ થી મતદાર યાદી તૈયાર કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધાર માનીને મતવિસ્તારોની વસ્તી નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ લોકો પાસેથી દાવા-વાંધા મંગાવવામાં આવશે. આ વખતે પંચાયતની ચૂંટણીઓ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં યોજાય તેવી પૂરી શક્યતા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ને અત્યારથી જ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
એક સાથે ૬ પદો માટે વોટિંગ: ટેકનોલોજીનો નવો પ્રયોગ
આ વખતની ચૂંટણીની સૌથી મોટી ખાસિયત 'મલ્ટી-પોસ્ટ EVM' છે. ઇતિહાસમાં પ્રથમ વખત બિહારના મતદારો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અત્યાધુનિક EVM માં એક જ કંટ્રોલ યુનિટ સાથે ૬ અલગ-અલગ બેલેટ યુનિટ જોડાયેલા હશે. એટલે કે, મતદારો એક જ સમયે મુખિયા, સરપંચ, વોર્ડ સભ્ય, પંચ, પંચાયત સમિતિ સભ્ય અને જિલ્લા પરિષદ સભ્ય એમ કુલ છ પદો માટે પોતાના મનપસંદ ઉમેદવારને મત આપી શકશે.
૨.૫૦ લાખ પદો પર રસાકસી
રાજ્યની ૮,૦૫૩ પંચાયતોમાં અંદાજે ૨,૫૦,૦૦૦ જેટલા વિવિધ પદો માટે ચૂંટણી યોજાશે. વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને ૧૧ તબક્કામાં મતદાન થયું હતું, તેવી જ રીતે આ વર્ષે પણ લાંબી પ્રક્રિયા દ્વારા પારદર્શક મતદાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ સંભવિત ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કરી દીધો છે, જેના કારણે બિહારના ગામડે ગામડે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

(7:47 PM IST)