News of Saturday, 21st March 2026
યુપીમાં મહિલાઓ માટે નોકરીનો પટારો ખુલ્યો: પરિવહન નિગમમાં ૨,૫૮૪ મહિલા કંડક્ટરોની થશે ભરતી, પોતાના જ જિલ્લામાં મળશે પોસ્ટિંગ
યોગી સરકારનો સ્ત્રી-શક્તિને વેગ આપતો નિર્ણય: ૨૫ માર્ચથી રાજ્યભરમાં યોજાશે રોજગાર મેળા; ઈન્ટરમીડિયેટ અને CCC પાસ યુવતીઓ માટે સીધી ભરતીની સુવર્ણ તક

લખનૌ: ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીની શોધમાં રહેલી મહિલાઓ માટે હોળી બાદ ખુશીઓના સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC) દ્વારા ૨,૫૮૪ મહિલા કંડક્ટરોની કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પરિવહન મંત્રી દયાશંકર સિંહે જણાવ્યું હતું કે, આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યના વિવિધ શહેરોમાં ખાસ 'રોજગાર મેળા'નું આયોજન કરવામાં આવશે, જેમાં મહિલા ઉમેદવારોની પસંદગી કરી તેમને સીધું જ નિમણૂક પત્ર આપવામાં આવશે.
પોતાના જ જિલ્લામાં નોકરી કરવાની તક
આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે પસંદગી પામેલી મહિલા ઉમેદવારોને તેમના જ ગૃહ જિલ્લા (Home District) ના ડેપોમાં પોસ્ટિંગ આપવામાં આવશે. આ નિર્ણયથી મહિલાઓને ઘરથી દૂર જવાની જરૂર નહીં પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકશે. મહિલા કંડક્ટરોને પણ પુરુષ ડ્રાઈવર અને કંડક્ટર જેટલું જ મહેનતાણું અને ભથ્થાં મળવાપાત્ર રહેશે.
લાયકાત અને વેઇટેજનું ગણિત
ભરતી માટે શૈક્ષણિક લાયકાત ઈન્ટરમીડિયેટ (ધોરણ ૧૨) પાસ અને CCC પ્રમાણપત્ર ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઉમેદવારોની પસંદગી ધોરણ ૧૨ ના ગુણના આધારે કરવામાં આવશે. જોકે, કેટલીક વિશેષ લાયકાત ધરાવતી મહિલાઓને ૫% વધારાનું વેઇટેજ આપવામાં આવશે, જેમાં:
• NCC (B) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો.
• ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સભ્યો.
• ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના રાજ્ય કે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓ.
• NSS (રાજ્ય પુરસ્કાર) ધરાવતી મહિલાઓ.
કયા શહેરમાં ક્યારે યોજાશે રોજગાર મેળો?
પરિવહન મંત્રીએ જાહેર કરેલા શિડ્યુલ મુજબ નીચેની તારીખોએ ભરતી મેળાઓ યોજાશે:
• ૨૫ માર્ચ: સહારનપુર, ઝાંસી, કાનપુર, ચિત્રકૂટ અને પ્રયાગરાજ.
• ૨૮ માર્ચ: ગાઝિયાબાદ, અલીગઢ, બરેલી, અયોધ્યા અને વારાણસી.
• ૩૦ માર્ચ: મેરઠ, ઇટાવા, હરદોઈ, દેવીપાટણ અને આઝમગઢ.
• ૧ એપ્રિલ: નોઈડા, આગ્રા, મુરાદાબાદ, લખનૌ અને ગોરખપુર.
રસ ધરાવતી મહિલા ઉમેદવારોએ જરૂરી અસલ દસ્તાવેજો સાથે તેમના નજીકના રિજિયોનલ મેનેજર (RM) ની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. આ ભરતીથી યુપીના પરિવહન વિભાગમાં મહિલાઓની ભાગીદારી વધશે અને મુસાફરોને પણ વધુ સારી સુવિધા મળશે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
