<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પંજાબમાં માર્ચ મહિને અષાઢી માહોલ: ધોધમાર વરસાદ અને પહાડોમાં હિમવર્ષાથી વાતાવરણમાં પલટો, શહેરોમાં ઠંડીના ચમકારા સાથે જનજીવન પ્રભાવિત

તાપમાનમાં ૬.૬ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો; ચંડીગઢ સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર બાદ ૨૬ માર્ચ સુધી ફરી વરસાદની આગાહી, મોહાલીમાં પારો ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ

પટિયાલા,: પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કુદરતે અજીબ કરવટ બદલી છે. સામાન્ય રીતે માર્ચના અંતમાં ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે પંજાબમાં અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પટિયાલા અને આસપાસના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ૬.૬ ડિગ્રી જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે લોકોએ ફરી ગરમ કપડાં બહાર કાઢવા પડ્યા છે.
ભાખડા ડેમ અને ચંડીગઢમાં મેઘમહેર
વાતાવરણમાં આવેલા આ ફેરફારને પગલે ભાખડા ડેમ વિસ્તારમાં સૌથી વધુ ૩૩.૫ મિમી વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવાંશહેરમાં ૧૩.૪ મિમી, કપૂરથલામાં ૧૨.૧ મિમી અને પઠાનકોટમાં ૯.૯ મિમી વરસાદ નોંધાયો છે. ચંડીગઢમાં પણ ૯.૪ મિમી વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડકભર્યું બન્યું છે. આનંદપુર સાહિબ અને રૂપનગરના અનેક વિસ્તારોમાં ૨ સેમી સુધી વરસાદ થતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે, જેની અસર રવિ પાક પર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
તાપમાનનો પારો ગગડ્યો, મોહાલીમાં ઠંડી વધુ
હવામાન વિભાગના આંકડા મુજબ, મોહાલીમાં તાપમાનમાં ૩.૪ ડિગ્રીનો ઘટાડો નોંધાતા પારો ૧૯ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે પંજાબમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન છે. પઠાનકોટ, લુધિયાણા અને પટિયાલામાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અમૃતસર અને અબોહરમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. મેદાની વિસ્તારોમાં ગુર્દાસપુર ૧૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
હજુ ૨૬ માર્ચ સુધી વરસાદની સંભાવના
હવામાન વિભાગના નિર્દેશક સુરેન્દ્ર પાલના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં બહુ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ પારો ૩ થી ૪ ડિગ્રી વધી શકે છે. જોકે, રાહતના સમાચાર લાંબો સમય ટકશે નહીં, કારણ કે ૨૨, ૨૩ તેમજ ૨૫ અને ૨૬ માર્ચના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી હળવો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ફતેગઢ સાહિબ, રૂપનગર અને મોહાલીમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

(11:40 PM IST)