<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

નિષ્ક્રિય બેંક ખાતા એટલે 'આફતને ખુલ્લું આમંત્રણ': દંડની રકમ સાથે સાયબર ફ્રોડનું જોખમ વધ્યું, બેદરકારી તમારા સિબિલ સ્કોરને પણ કરી શકે છે સાફ

જૂના સેલેરી એકાઉન્ટ કે ઝીરો બેલેન્સ ખાતા બંધ ન કરવાની ભૂલ પડશે ભારે; વણવપરાયેલા ખાતા બની રહ્યા છે હેકર્સનું સોફ્ટ ટાર્ગેટ, નાણાકીય નુકસાનથી બચવા સમયસર એકાઉન્ટ ક્લોઝ કરવું અનિવાર્ય

રાજકોટ: આજકાલ બદલાતી નોકરીઓ અને બેંકોની આકર્ષક સ્કીમોને કારણે લોકો પાસે એક કરતા વધુ બેંક ખાતાઓ હોવા સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ કે કોઈ જૂનું જોઈન્ટ એકાઉન્ટ વાપરવાનું બંધ કર્યા પછી તેને વિધિવત રીતે બંધ ન કરવું એ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. નિષ્ણાતોના મતે, નિષ્ક્રિય પડેલા આ ખાતાઓ માત્ર બેંકિંગ પેનલ્ટી જ નહીં, પણ સાયબર ગુનેગારો માટે પણ મોકળું મેદાન પૂરું પાડે છે.
દંડનો બોજ અને નેગેટિવ બેલેન્સની માથાકૂટ
ઘણા ગ્રાહકો એવું વિચારે છે કે ખાતામાં પૈસા નથી તો બેંક શું કાપી લેશે? પરંતુ હકીકત એ છે કે, જો ખાતામાં લઘુત્તમ બેલેન્સ (Minimum Balance) જાળવવામાં ન આવે, તો બેંક દર મહિને દંડ વસૂલે છે. લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલતા તમારું બેલેન્સ 'નેગેટિવ' થઈ શકે છે. ભવિષ્યમાં જ્યારે તમે તે બેંકમાં કોઈ નવું કામ અર્થે જશો ત્યારે આ બાકી નીકળતી રકમ વ્યાજ સાથે ભરવી પડી શકે છે. વળી, જો આ ખાતા સાથે કોઈ ઓવરડ્રાફ્ટ સુવિધા જોડાયેલી હોય, તો તે તમારા ક્રેડિટ સ્કોર (CIBIL) ને પણ ખરાબ કરી શકે છે.
સાયબર છેતરપિંડી માટે 'સોફ્ટ ટાર્ગેટ'
નિષ્ક્રિય ખાતાઓમાં સામાન્ય રીતે ગ્રાહકો મોબાઈલ નંબર કે ઈમેઈલ અપડેટ રાખતા નથી. સાયબર ગુનેગારો આવા 'ઘોસ્ટ એકાઉન્ટ્સ' શોધીને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરી શકે છે. તમારા ખાતામાં કોઈ શંકાસ્પદ એન્ટ્રી થાય તો પણ તમને એસએમએસ ન મળવાને કારણે જાણ થતી નથી. આમ, તમારી જાણ બહાર તમારું ખાતું મની લોન્ડરિંગ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનું માધ્યમ બની શકે છે.
ખાતું બંધ કરતા પહેલા આટલું ચોક્કસ કરો
જો તમારી પાસે પણ આવા બિનજરૂરી ખાતા હોય, તો તેને બંધ કરતા પહેલા કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. સૌથી પહેલા છેલ્લા ૨-૩ વર્ષના બેંક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી લો, જે ઇન્કમ ટેક્સ ફાઇલિંગમાં કામ લાગી શકે છે. તપાસો કે તે ખાતા સાથે કોઈ વીમા પ્રીમિયમ, EMI કે સરકારી સબસિડી જોડાયેલી તો નથી ને? અંતે, માત્ર પૈસા ઉપાડી લેવાથી ખાતું બંધ નથી થતું; બેંકમાં જઈને ફોર્મ ભરો, ચેકબુક અને ડેબિટ કાર્ડ જમા કરાવો અને ખાતું બંધ થયાની લેખિત ખાતરી મેળવો.

(10:16 PM IST)