<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

કેરળના ચૂંટણી જંગમાં 'ગુજરાત મોડલ'ની એન્ટ્રી: NDA ઉમેદવાર મુકુંદનના ફોર્મ ભરતી વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીથી રાજકારણ ગરમાયું, ત્રિપાંખિયો જંગ જામશે

નાટ્ટિકા બેઠક પર ભાજપનું જોરદાર શક્તિપ્રદર્શન: ૯ એપ્રિલે મતદાન અને ૪ મેના રોજ જાહેર થશે પરિણામ; દક્ષિણ ભારતમાં કમળ ખીલવવા માટે કેન્દ્રીય નેતૃત્વએ કમર કસી

તિરુવનંતપુરમ: દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ત્રિશૂર જિલ્લાની હાઈપ્રોફાઇલ ગણાતી નાટ્ટિકા બેઠક પર આજે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર સી.સી. મુકુંદને વિજય વિશ્વાસ સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જે સ્પષ્ટ કરે છે કે ભાજપ આ વખતે કેરળમાં પોતાની મજબૂત પકડ બનાવવા માટે પૂરજોર મહેનત કરી રહ્યું છે.
ભવ્ય રોડ શો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ
ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ જસ્ટિન જેકબ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાટ્ટિકા મતવિસ્તારમાં યોજાયેલા આ શક્તિપ્રદર્શનથી વિરોધ પક્ષોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાજપ આ વખતે 'ગુજરાત મોડલ' અને વિકાસના મુદ્દાઓ સાથે કેરળની જનતા પાસે મતોની માંગણી કરી રહ્યું છે.
ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, કેરળની તમામ ૧૪૦ વિધાનસભા બેઠકો માટે ૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. આ લોકશાહીના પર્વના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. નાટ્ટિકા બેઠક પર હાલમાં સત્તારૂઢ LDF, કોંગ્રેસના નેતૃત્વવાળા UDF અને ભાજપના નેતૃત્વવાળા NDA વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે આ જંગ વધુ રસપ્રદ બન્યો છે.
ગત ચૂંટણીનું ગણિત અને ભાજપની રણનીતિ
યાદ અપાવી દઈએ કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળા LDF એ ૯૯ બેઠકો જીતીને સતત બીજી વાર સત્તા હાંસલ કરી હતી. જ્યારે યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને ૪૧ બેઠકો મળી હતી. ગત વખતે NDA ને ૧૧.૪ ટકા વોટ મળ્યા હોવા છતાં તેઓ એક પણ બેઠક જીતી શક્યા નહોતા. જોકે, આ વખતે પીએમ મોદી અને અમિત શાહની સીધી દેખરેખ હેઠળ કેરળમાં ભાજપ પોતાનું ખાતું ખોલાવવા અને મહત્વની બેઠકો કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

(10:17 PM IST)