તા. ૧૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૬ શુક્રવાર
News of Saturday, 21st March 2026
એર ઈન્ડિયાનું 'બ્લન્ડર': ૯ કલાક સુધી ૩૦૦ મુસાફરો હવામાં ગોથા ખાતા રહ્યા અને અંતે વિમાન ત્યાં જ પાછું આવ્યું જ્યાંથી ઉડ્યું હતું, જાણો શું હતી ટેકનિકલ ભૂલ?
દિલ્હીથી વેનકુવર જતી ફ્લાઈટને ચીની સરહદેથી 'યુ-ટર્ન' મારવો પડ્યો; ખોટું વિમાન મોકલી દેતા કેનેડાએ લેન્ડિંગની ના પાડી, લાખોનું ઈંધણ સ્વાહા અને એરલાઈનની આબરૂના ધજાગરા

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની એક એવી વહીવટી ક્ષતિ સામે આવી છે જેણે ઉડ્ડયન ક્ષેત્રમાં સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીથી કેનેડાના વેનકુવર જવા ઉપડેલી ફ્લાઈટ AI 185માં સવાર ૩૦૦ મુસાફરો માટે આ સફર કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. ઓપરેશનલ ટીમની ગંભીર ભૂલને કારણે આ વિમાન ૯ કલાક સુધી હવામાં રહ્યા બાદ ફરી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
શું હતી એરલાઈનની મોટી ભૂલ?
પ્રાપ્ત વિગતો અનુસાર, એર ઈન્ડિયા પાસે કેનેડાના રૂટ પર માત્ર બોઈંગ 777-300ER (એક્સટેન્ડેડ રેન્જ) વિમાન ચલાવવાની સત્તાવાર મંજૂરી છે. જોકે, ભૂલથી આ રૂટ પર બોઈંગ 777-200LR (લોન્ગ રેન્જ) વિમાન (રજીસ્ટ્રેશન: VT-AEI) રવાના કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આ વિમાન ચીનના કુનમિંગ હવાઈ ક્ષેત્રમાં પહોંચ્યું, ત્યારે સત્તાવાળાઓને ભાન થયું કે ટેકનિકલ મંજૂરીના અભાવે આ વિમાન વેનકુવરમાં લેન્ડ થઈ શકશે નહીં. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, દરેક દેશ વિમાનના ચોક્કસ મોડેલ અને સુરક્ષા માપદંડોના આધારે જ લેન્ડિંગની પરવાનગી આપે છે.
આર્થિક નુકસાન અને મુસાફરોની હાલાકી
આ 'હ્યુમન એરર'ને કારણે એર ઈન્ડિયાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. બોઈંગ 777 જેવું વિશાળ વિમાન કલાકના અંદાજે ૮ થી ૯ ટન ઈંધણનો વપરાશ કરે છે, એટલે કે ૯ કલાકની આ નિરર્થક ઉડાનમાં લાખો રૂપિયાનું ઈંધણ વેડફાયું હતું. મુસાફરો ૯ કલાકની થકવી નાખનારી મુસાફરી બાદ ફરી ત્યાં જ આવી પહોંચ્યા હતા જ્યાંથી તેમણે પ્રવાસ શરૂ કર્યો હતો. આ ઘટનાએ એરલાઈનની આયોજન પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
એરલાઈનનો ખુલાસો અને તપાસ
એર ઈન્ડિયાએ આ ઘટનાને 'ઓપરેશનલ ઈશ્યુ' ગણાવીને મુસાફરોની માફી માંગી છે. પરત ફરેલા મુસાફરોને દિલ્હીની હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને બીજા દિવસે શુક્રવારે સવારે યોગ્ય વિમાન દ્વારા વેનકુવર રવાના કરવામાં આવ્યા હતા. એરલાઈન મેનેજમેન્ટે આ મામલે આંતરિક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
