News of Saturday, 21st March 2026
વાયનાડમાં 'ગાંધી લહેર' વિરુદ્ધ જમીની હકીકત: રાહુલ-પ્રિયંકાએ ચૂંટણીનો નકશો તો બદલ્યો, પણ સ્થાનિક પ્રશ્નોના વંટોળમાં કોંગ્રેસની કસોટી
રેકોર્ડબ્રેક માર્જિન છતાં વિધાનસભા બેઠકો પર જોખમ: વન્યજીવન સંઘર્ષ, રાત્રિ ટ્રાફિક પ્રતિબંધ અને મેડિકલ સુવિધાઓનો અભાવ મતદારોમાં નારાજગી જન્માવી શકે; ૨૦૨૬માં LDF અને UDF વચ્ચે ખરાખરીનો જંગ જામશે

કલ્પેટ્ટા: કેરળનું વાયનાડ અત્યારે ભારતનું સૌથી ચર્ચિત મતવિસ્તાર બની ગયું છે. ૨૦૧૯માં રાહુલ ગાંધીની એન્ટ્રી અને ત્યારબાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પેટાચૂંટણીમાં મેળવેલી ૪ લાખથી વધુ મતોની સરસાઈએ કોંગ્રેસનો ગઢ મજબૂત કર્યો હોય તેમ લાગે છે. જોકે, આંકડાઓની માયાજાળ પાછળ એક બીજી હકીકત એ છે કે લોકસભામાં મળતી પ્રચંડ લીડ વિધાનસભાની ચૂંટણી આવતા જ ઓગળી જાય છે. ૨૦૨૧ના પરિણામો સાક્ષી છે કે સાતમાંથી ત્રણ બેઠકો પર ડાબેરી મોરચાએ (LDF) કબજો જમાવ્યો હતો, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.
ભૂસ્ખલન અને પુનર્વસનનું રાજકારણ
વાયનાડમાં આવેલા ભયાનક ભૂસ્ખલન બાદ રાજ્યની LDF સરકારે પુનર્વસન પેકેજ અને નવી ટાઉનશીપના નિર્માણ દ્વારા લોકોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ સતત વાયનાડની મુલાકાતો લઈને અને સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધીને કોંગ્રેસની પકડ જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જોકે, કોંગ્રેસ શાસિત સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચારના આરોપો અને આંતરિક જૂથવાદ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે.
વન્યજીવન સંઘર્ષ અને આર્થિક નાકેબંધી
વાયનાડના પહાડી વિસ્તારોમાં માનવ અને વન્યજીવન વચ્ચેનો સંઘર્ષ સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. જંગલી જાનવરોનો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ અને ખેતીને થતું નુકસાન રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની લાગણી મતદારોમાં છે. ઉપરાંત, નેશનલ હાઈવે ૭૬૬ પર રાત્રિ ટ્રાફિક પ્રતિબંધને કારણે વેપાર-રોજગારને માઠી અસર પડી છે. ગંભીર બીમારીના કિસ્સામાં લોકોએ હજુ પણ સારવાર માટે કોઝિકોડ સુધી લાંબુ થવું પડે છે, જે આધુનિક યુગમાં મોટી કમનસીબી છે.
વિકાસની નવી આશા: ટ્વીન-ટનલ પ્રોજેક્ટ
આ તમામ પડકારો વચ્ચે ₹૨,૧૩૪ કરોડના ખર્ચે બની રહેલા અનાક્કમ્પોઇલ-કલ્લાડી-મેપ્પડી ટ્વીન-ટનલ પ્રોજેક્ટથી લોકોમાં આશા જાગી છે. ૮.૭૩ કિમી લાંબો આ ભૂગર્ભ માર્ગ કોઝિકોડ અને વાયનાડ વચ્ચેનું અંતર ઘટાડશે અને ટ્રાફિકની સમસ્યા હલ કરશે. ૨૦૨૬ની ચૂંટણીમાં કોઈ પણ 'રાજકીય સ્ટાર' ના પ્રભાવ કરતા આ સ્થાનિક પ્રશ્નો અને વિકાસના કામો જ હાર-જીતનો નિર્ણય કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
