News of Saturday, 21st March 2026
PoK માં આતંકની નવી 'પાઠશાળા': શિક્ષણની આડમાં માસૂમોનું બ્રેઈનવોશ, જેહાદી સંગઠનોએ ગરીબ બાળકોને નિશાન બનાવ્યા
જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની ખતરનાક ચાલ: મફત રાશન અને રોકડ ભથ્થાની લાલચ આપી 7 થી 13 વર્ષના બાળકોને આતંકવાદી બનાવવા માટે શરૂ કરી 'ભરતી ઝુંબેશ'

શ્રીનગર:પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સક્રિય આતંકવાદી સંગઠનોએ હવે માનવતાને શર્મસાર કરે તેવી નવી અને અત્યંત ઘાતક યુક્તિ અપનાવી છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોએ શિક્ષણના નામે માસૂમ બાળકોને આતંકવાદના માર્ગે ધકેલવા માટે એક વ્યાપક ઝુંબેશ છેડી છે. મળતી વિગતો મુજબ, આ સંગઠનો ઇસ્લામ અને કાશ્મીર જેહાદના નામે આતંકવાદીઓની નવી સેના તૈયાર કરી રહ્યા છે. આ માટે તેઓએ પાકિસ્તાન અને PoK ના વિવિધ વિસ્તારોમાં જાહેરાતો અને પોસ્ટરો લગાવ્યા છે, જેમાં માતા-પિતાને તેમના બાળકોને આ કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓમાં મોકલવા માટે લલચાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમને ધાર્મિક શિક્ષણની સાથે લશ્કરી તાલીમ આપવાની યોજના છે.
આ આતંકવાદી સંગઠનો મુખ્યત્વે આર્થિક રીતે પછાત અને નબળા પરિવારોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ગરીબ માતા-પિતાને બાળકો માટે મફત ભોજન, રહેવાની સુવિધા અને માસિક રોકડ ભથ્થાનું વચન આપવામાં આવે છે. એટલું જ નહીં, આ સંગઠનોના પ્રેરકો હવે સરકારી અને ખાનગી શાળાઓમાં જઈને ઝેરીલા જેહાદી ભાષણો આપી રહ્યા છે. બાળકોમાં કટ્ટરતા ભરો તે હેતુથી નાટક અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં માર્યા ગયેલા આતંકવાદીઓનું મહિમાગાન કરવામાં આવે છે અને કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થતો હોવાની ખોટી વાર્તાઓ પીરસવામાં આવે છે. આ રીતે માસૂમ મગજમાં નાનપણથી જ નફરતના બીજ રોપવામાં આવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને 7 થી 13 વર્ષની વયના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અગાઉ આ સંગઠનોની પ્રવૃત્તિઓ માત્ર રેલીઓ અને તાલીમ શિબિરો પૂરતી મર્યાદિત હતી, પરંતુ ગત સપ્ટેમ્બરથી તેઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં પગપેસારો વધાર્યો છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે અનેક પરિવારોએ તેમના બાળકોને સામાન્ય શાળાઓમાંથી ઉઠાડીને બહાવલપુર, લાહોર અને કરાચીમાં આવેલા આતંકીઓના તાલીમ કેન્દ્રોમાં મોકલી દીધા છે. લશ્કર-એ-તૈયબા પણ પોતાની પેટા સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓમાં આવી જ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે, જે લાંબા ગાળે પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
સ્થાનિક સૂત્રોનું માનવું છે કે પાકિસ્તાની સેના અને સરકારના આશીર્વાદથી આ પ્રવૃત્તિઓ વધી રહી છે, કારણ કે PoK ના સામાન્ય લોકોમાં હવે કાશ્મીર જેહાદ પ્રત્યેનો મોહભંગ થઈ રહ્યો છે. લોકો હવે આતંકવાદી શિબિરો બંધ કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે, જેના કારણે આતંકી સંગઠનોમાં સ્થાનિક ભરતીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટતી જતી સંખ્યાને ભરપાઈ કરવા માટે જ હવે બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2010 માં આતંકવાદ છોડી મુખ્ય પ્રવાહમાં આવેલા પૂર્વ આતંકવાદીઓએ પણ પુષ્ટિ કરી છે કે આ સંગઠનો ગરીબીનો લાભ ઉઠાવીને આતંકની નવી પેઢી તૈયાર કરવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
