News of Saturday, 21st March 2026
શ્રીલંકામાં ઇંધણના દુષ્કાળ વચ્ચે 'ફરજિયાત રજા'નો ફફડાટ: સરકારે બુધવારને જાહેર રજા જાહેર કરતા રસ્તાઓ સૂમસામ, અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ
ઈરાન યુદ્ધના કારણે તેલનો પુરવઠો ખોરવાતા રાષ્ટ્રપતિ દિસાનાયકેનો આકરો નિર્ણય; પેટ્રોલ-ડીઝલ માટે કલાકો સુધી લાંબી લાઈનો, ટુક-ટુક ચાલકો અને નાના વેપારીઓની કમાણી અડધી થઈ ગઈ

કોલંબો: આર્થિક મુસીબતોનો સામનો કરી રહેલા પડોશી દેશ શ્રીલંકામાં ફરી એકવાર ઉર્જા કટોકટીએ માથું ઊંચક્યું છે. ઈરાન યુદ્ધના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં થયેલા વિક્ષેપને કારણે શ્રીલંકા સરકારે ઈંધણ બચાવવા માટે અઠવાડિયાના મધ્યમાં એટલે કે 'બુધવારે' ફરજિયાત જાહેર રજા જાહેર કરી દીધી છે. આ અણધાર્યા નિર્ણયથી સામાન્ય જનતા સ્તબ્ધ છે અને કોલંબોની ભાગદોડવાળી શેરીઓમાં અત્યારે અસામાન્ય શાંતિ છવાઈ ગઈ છે.
વેપાર-ધંધા ઠપ, શાકભાજીના ભાવ ઘટ્યા
સરકારના આ નિર્ણયની સૌથી માઠી અસર નાના વેપારીઓ પર પડી છે. કોલંબોના વ્યાપારી કેન્દ્રમાં શાકભાજી વેચતા ફેરિયાઓ જણાવી રહ્યા છે કે ગ્રાહકોની અવરજવર ઓછી થતા તેમનો ધંધો અડધો થઈ ગયો છે. માલ બગડી ન જાય તે માટે વેપારીઓએ ગાજર અને અન્ય શાકભાજીના ભાવમાં કિલો દીઠ ૬૦ શ્રીલંકન રૂપિયા સુધીનો ઘટાડો કરવો પડ્યો છે. ટુક-ટુક ચાલકોની હાલત પણ કફોડી બની છે, કારણ કે શાળાઓ અને ઓફિસો બંધ રહેતા તેમને મુસાફરો મળી રહ્યા નથી.
રેશનિંગ અને QR કોડની કડકાઈ
રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ ઈંધણ વપરાશ પર અંકુશ લાવવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવે મોટરસાઇકલ સવાર અઠવાડિયામાં માત્ર ૫ લિટર, કાર ચાલક ૧૫ લિટર અને બસ સંચાલકો ૬૦ લિટર ઈંધણ જ મેળવી શકશે. દરેક વાહનચાલકે પેટ્રોલ પંપ પર QR કોડ બતાવવો અનિવાર્ય છે. આટલું ઓછું હોય તેમ, સરકારે હવે એકી-બેકી (Odd-Even) નંબર પ્લેટ મુજબ ઈંધણ આપવાની પદ્ધતિ પણ અમલમાં મૂકી છે.
શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર અસર
એક તરફ સરકારી કર્મચારીઓ રજાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. અઠવાડિયામાં એક દિવસ ઓછો મળતા અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે તેવો ડર વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. હોસ્પિટલો ખુલ્લી હોવા છતાં, પરિવહનના સાધનો ઓછા હોવાથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સમયસર ફરજ પર પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શ્રીલંકાનું પ્રવાસન ક્ષેત્ર, જે હજુ માંડ બેઠું થઈ રહ્યું હતું, તેને પણ આ ઈંધણ કટોકટીને કારણે મોટો આંચકો લાગ્યો છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
