ઈઝરાયેલના 'લિટલ ઈન્ડિયા' પર ઈરાનનો ભીષણ મિસાઈલ મારો: પરમાણુ મથક ધણધણ્યું, ૧૦૦થી વધુ લોહીલુહાણ
તેહરાને નાતાન્ઝ પરમાણુ સુવિધા પર થયેલા હુમલાનો લેવા માટે દક્ષિણ ઈઝરાયેલના ડિમોના અને અરાદ શહેરોને બનાવ્યા નિશાન; ભારતીય મૂળના લોકોના ગઢ ગણાતા ડિમોનામાં રહેણાંક ઇમારતો જમીનદોસ્ત અને આકાશમાંથી અગનગોળા વરસતા સર્જાયો ભારે વિલાપ, પરમાણુ કેન્દ્ર પાસે જંગી વિસ્ફોટોથી વિશ્વ આખું સ્તબ્ધ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ હવે રોકી શકાય તેમ નથી તેવા સંકેતો મળી રહ્યા છે. ઈરાને આજે વહેલી સવારે ઈઝરાયેલના 'લિટલ ઈન્ડિયા' તરીકે ઓળખાતા ડિમોના શહેર અને પડોશી શહેર અરાદ પર ભયાનક બેલિસ્ટિક મિસાઈલોનો વરસાદ કર્યો છે. આ હુમલા પાછળનો હેતુ શનિવારે ઈરાનના નાતાન્ઝ યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર પર થયેલા હુમલાનો બદલો લેવાનો હોવાનું તેહરાને જાહેર કર્યું છે. હુમલાની તીવ્રતા એટલી ભીષણ હતી કે ડિમોનામાં અનેક રહેણાંક ઇમારતોના રવેશ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા અને જમીનમાં ઊંડા ખાડા પડી ગયા હતા. ઈઝરાયેલની અત્યાધુનિક ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ પણ આ વખતે હજારો કિલોના વોરહેડ ધરાવતી મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં સીધું નુકસાન થયું છે.
ડિમોના શહેર ભારત માટે ભાવનાત્મક રીતે પણ મહત્વનું છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો વસે છે. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં અરાદ શહેરમાં ૮૪ અને ડિમોનામાં ૩૩ લોકોનો સમાવેશ થાય છે. મેગેન ડેવિડ એડોમ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ૧૦ લોકોની હાલત અત્યંત નાજુક છે. ઘટનાસ્થળે હાજર પેરામેડિક્સના જણાવ્યા મુજબ, હુમલા બાદ ચારેબાજુ ચીસાચીસ અને અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. આકાશમાંથી આગના ગોળા પડતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે આ યુદ્ધની ભયાનકતાના સાક્ષી પૂરે છે.
આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ ડિમોનામાં આવેલું શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયેલની આ સૌથી સંવેદનશીલ પરમાણુ સુવિધા પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટોને કારણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) પણ હરકતમાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે પરમાણુ પ્લાન્ટને કોઈ ટેકનિકલ નુકસાન થયું નથી કે કોઈ રેડિયેશન લીક થવાના અહેવાલ મળ્યા નથી. બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે નાતાન્ઝ ખાતે થયેલા ઈઝરાયેલી હુમલામાં ઘણી ઈમારતોને નુકસાન થયું હતું, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ પરમાણુ પ્રતિશોધને કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
વૈશ્વિક સમુદાય અત્યારે શ્વાસ અધ્ધર કરીને આ ઘટનાક્રમ જોઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અલ્ટીમેટમ આપ્યું છે, ત્યારે ઈરાને સીધો પરમાણુ શહેર પર હુમલો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. મધ્ય પૂર્વમાં તેલ અને ગેસના પુરવઠા પર પણ આની માઠી અસર પડવાની શક્યતા છે. જો ઈઝરાયેલ આ મિસાઈલ હુમલાનો વળતો જવાબ આપશે, તો આખા ખાડી પ્રદેશમાં વિનાશક આગ લાગી શકે છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર સંયુક્ત રાષ્ટ્ર અને મહાસત્તાઓના આગામી પગલાં પર છે, જેથી આ માનવીય હોનારતને અટકાવી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
