News of Sunday, 22nd March 2026
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે કતારથી ભારત જતું એક ભારતીય માલવાહક જહાજ મધ્ય પૂર્વમાં ફસાઈ ગયા બાદ ભારતીય જહાજની સુરક્ષિત ઘર વાપસી
કતારથી ભારત જતું એક ભારતીય માલવાહક જહાજ પણ અટવાઈ ગયું : ક્રૂને GPS સાધનોમાં ખામી અને પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો : જહાજ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યું

નવી દિલ્હી તા.૨૧ : 27 ફેબ્રુઆરી સુધી બધું સામાન્ય હતું. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય માલવાહક જહાજો સુરક્ષિત રીતે મુસાફરી કરી રહ્યા હતા. ત્યારબાદ 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો હતો. જેના કારણે ભારત સહિત અનેક દેશોના જહાજો મુસાફરી દરમિયાન અટવાઈ ગયા હતા.
આ પરિસ્થિતિ વચ્ચે, કતારથી ભારત જતું એક ભારતીય માલવાહક જહાજ પણ અટવાઈ ગયું હતું. આ જહાજમાં સવાર ભારતીય ક્રૂએ માત્ર યુદ્ધના જોખમોનો સામનો જ નહીં, પરંતુ GPS સાધનોમાં ખામી અને પીવાના પાણીની તીવ્ર અછત જેવા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.
જોકે, ભારતીય નૌકાદળ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુરક્ષા અને ભારત સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે, જહાજ આખરે સુરક્ષિત રીતે ભારત પાછું ફર્યું છે.
ભારત પાછા ફરવા માટે ક્રૂ સંપૂર્ણપણે તૈયાર હતો
હકીકતમાં, કતારના રાસ લાફાન ખાતે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય જહાજ પર માલ લોડ થઈ ગયો હતો. કેપ્ટન અને ક્રૂ ભારતની સફર શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. જોકે, અચાનક મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા તણાવને લીધે બધુ રોકાઈ ગયું હતું.
અધિકારીએ આપવીતી વર્ણવી
એક ભારતીય જહાજ પર સવાર એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "અમે સંયુક્ત આરબ અમીરાતના એક બંદર પર સુરક્ષિત રીતે લંગર લગાવ્યું હતું.અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કેમ કે, જીપીએસમાં ખરાબી આવવા લાગી અને જહાજ પર લગાવેલ ઉપકરણ યોગ્ય રીતે કામ નહોતા કરતા.
આનાથી અમારી ચિંતા વધી ગઈ હતી. અમે સમાચાર પર નજર રાખી રહ્યા હતા અને આ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધ અને હુમલાઓ અંગે અપડેટ્સ મેળવી રહ્યા હતા. અમે ફક્ત ડીજી શિપિંગ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારતીય નૌસેના દ્વારા અપાયેલા નિર્દેશ અને સલાહનું પાલન કર્યું.
ફક્ત એક મહિના માટે પૂરતો ખાદ્ય પુરવઠો બચ્યો
જહાજના અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે એક મહિનાથી વધારે સમય સુધી ચાલે તેટલો ખોરાકનો પુરવઠો હતો. પરંતુ પીવાના પાણીની સમસ્યા વધતી જતી હતી. કેમ કે, કાર્ગો જહાજ રોકવા પર ત્યારે મર્યાદિત માત્રામાં પીવાનું પાણી ઉત્પન્ન કરે છે, અને જે ક્રૂના સભ્યો માટે અપૂરતી છે. અમારી પાસે જે પાણી હતું. તેનાથી અમે 7થી 10 દિવસ માટે જ ટકી શક્યા હોત."
10 દિવસ પછી મળી ખુશ ખબર
બંદર પર લગભગ 10 દિવસ રાહ જોયા પછી, ક્રૂને 13 માર્ચના રોજ સારા સમાચાર મળ્યા હતા કે, તેઓ તે રાત્રે તેમની યાત્રા શરુ કરી શકે છે. જે પછી જહાજને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર કરવા માટે ઈરાની નૌકાદળ પાસેથી મદદ મળી અને જહાજ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યું.
અધિકારીએ કહ્યું કે, "અમને કોઈ પૂર્વ સૂચના મળી ન હતી, જોકે, અમને ખબર હતી કે, ભારત સરકાર ભારતીય ધ્વજવાળા જહાજોના સલામત માર્ગને સુનિશ્ચિત કરવા માટે અથાક પ્રયાસ કરી રહી છે. અમે ભારતીય નૌકાદળ સાથે સંપર્કમાં રહ્યા, જેણે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી અમને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. અમે ઈરાની નૌકાદળ સાથે સંપર્કમાં નહોતા."
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
