તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Sunday, 22nd March 2026
આપના પૂર્વ મંત્રી લાલજીત ભુલ્લરની મુશ્કેલી વધી: વેરહાઉસિંગ અધિકારીની આત્મહત્યાના કેસમાં નોંધાઈ FIR
પંજાબના પરિવહન મંત્રી પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ અમૃતસર પોલીસે ભુલ્લર અને તેમના પિતા સામે નોંધ્યો ગુનો; જિલ્લા મેનેજર ગગનદીપ સિંહ રંધાવાએ સુસાઈડ નોટ અને વીડિયો સંદેશમાં મંત્રી પર લગાવ્યા ગંભીર આરોપ, વેરહાઉસ ટેન્ડર વિવાદમાં માનસિક ત્રાસ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ઘટસ્ફોટ થતા પંજાબ રાજકારણમાં ખળભળાટ

અમૃતસર: પંજાબના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રભાવશાળી નેતા અને પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લર ગંભીર કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. પંજાબ સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના જિલ્લા મેનેજર ગગનદીપ સિંહ રંધાવાએ આત્મહત્યા કરી લેતા પોલીસે મોડી રાત્રે પૂર્વ મંત્રી ભુલ્લર, તેમના પિતા સુખદેવ સિંહ અને અંગત સહાયક દિલબાગ સિંહ સામે એફઆઈઆર (FIR) નોંધી છે. મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટનાની ગંભીરતાને જોતા ભુલ્લરનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે સરકારની 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ફરી એકવાર કસોટીની એરણે ચડી છે.
આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ વેરહાઉસ બાંધકામના ટેન્ડરો હોવાનું સામે આવ્યું છે. મૃતક ગગનદીપ સિંહની પત્ની ઉપિન્દર કૌરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તરનતારનના પટ્ટી અને ખેમકરણ વિસ્તારોમાં નવા વેરહાઉસ માટે ઓક્ટોબર ૨૦૨૫ માં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. એફસીઆઈ (FCI) દ્વારા આ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી હોવા છતાં, મંત્રી અને તેમના પિતાએ ગગનદીપ સિંહ પર નિયમોને નેવે મૂકીને તેમના પક્ષમાં કામ કરવા દબાણ કર્યું હતું. આ વિવાદ એટલો વકર્યો હતો કે મંત્રીના નિવાસસ્થાને ગગનદીપ સિંહને બોલાવીને પિસ્તોલના નાળચે માર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી બળજબરીપૂર્વક લાંચ લેવાની ખોટી વિડિયો કબૂલાત રેકોર્ડ કરાવાઈ હતી.
ગગનદીપ સિંહ રંધાવાએ ૨૧ માર્ચની વહેલી સવારે આત્મહત્યા કરી હતી, પરંતુ તે પહેલા તેમણે એક અત્યંત ચોંકાવનારો વીડિયો સંદેશ અને સુસાઈડ નોટ છોડી હતી. આ વીડિયોમાં તેમણે મંત્રી ભુલ્લર અને તેમના સહયોગીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને ધમકીઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. ૨૦૦૭ થી પરિણીત ગગનદીપ સિંહને ત્રણ બાળકો છે અને તેમના પરિવારે હવે ન્યાયની માંગ સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે. અમૃતસરની રણજીત એવન્યુ પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી (કલમ ૧૦૮) અને ગુનાહિત ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માને આ મામલે કડક વલણ અપનાવતા મુખ્ય સચિવ કે.એ.પી. સિંહાને સંપૂર્ણ તપાસનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્રમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. હાલમાં પૂર્વ મંત્રી અને તેમના પરિવારજનો પર ધરપકડની તલવાર લટકી રહી છે. બીજી તરફ વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે, જેના કારણે આગામી દિવસોમાં પંજાબ વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થવાની શક્યતા છે. પોલીસ અત્યારે રંધાવાના ફોન અને વાયરલ વીડિયોને ફોરેન્સિક તપાસ માટે મોકલીને પુરાવા એકત્ર કરી રહી છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
