<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત આપવા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં ૨૦ ટકાનો વધારો મંજૂર કર્યો: ૨૯ માર્ચ આસપાસ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો આવી શકે છે: ન્યૂઝ ફર્સ્ટ

એલપીજી ગેસ કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારનું મહત્ત્વપૂર્ણ પગલું: હવે રાજ્યોને કોમર્શિયલ ગેસનો કુલ ૫૦ ટકા પુરવઠો મળશે, કામદારો અને ઢાબા માલિકોને હાશકારો: સાથોસાથ સરકારની જીએસટીની આવક તૂટતી અટકી જશે !

નવી દિલ્હી: પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઉભી થયેલી ગેસની અછત વચ્ચે, પેટ્રોલિયમ મંત્રાલયે ૨૧ માર્ચ ૨૦૨૬ ના રોજ કોમર્શિયલ એલપીજીના પુરવઠામાં વધુ ૨૦ ટકાનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી હોટલ, ઢાબા, ઔદ્યોગિક કેન્ટીન અને સામુદાયિક રસોડા ચલાવતા લોકોને મોટી રાહત મળશે અને પુરવઠો હવે કટોકટી પહેલાના સ્તરના ૫૦ ટકા સુધી પહોંચી ગયો છે. જોકે એક અહેવાલ એવો છે કે સરકારની જીએસટીની આવક તૂટતી અટકાવવા માટે પણ આ પગલું લેવાયું હોઈ શકે.

 

મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને કટોકટીના કારણે ભારતમાં સર્જાયેલી ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટી રાહત આપી છે. શનિવારે, ૨૧ માર્ચ ૨૦૨૬ ના રોજ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રાજ્યો માટે કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ની ફાળવણીમાં વધુ ૨૦ ટકાનો વધારો મંજૂર કર્યો છે. મંત્રાલયના સચિવ નીરજ મિત્તલે એક સત્તાવાર પત્ર દ્વારા આ માહિતી આપી હતી. આ નવા અપડેટ સાથે, રાજ્યોને હવે કટોકટી પહેલાના સ્તરના કુલ ૫૦ ટકા કોમર્શિયલ ગેસનો પુરવઠો મળશે.

 

અગાઉ ૭ માર્ચ ૨૦૨૬ ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરમાં ૬૦ રૂપિયા અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝીંક્યો હતો. ભાવ વધારા અને સપ્લાયની ભારે અછતને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. દિલ્હી અને નોઈડા જેવા શહેરોમાં બ્લેક માર્કેટિંગમાં સિલિન્ડર ૩૦૦૦ રૂપિયા સુધી ઊંચા ભાવે વેચાતા હતા અને અનેક રેસ્ટોરન્ટ, દુકાનો બંધ થવાની નોબત આવી હતી.

 

જોઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, આ વધારાના ૨૦ ટકા પુરવઠાનો ઉપયોગ ઢાબા, ઔદ્યોગિક કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ડેરી ઉદ્યોગ, સરકારી સબસિડીવાળી કેન્ટીન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચાલતા સામુદાયિક રસોડા અને સ્થળાંતરિત મજૂરો માટે અગ્રતાના ધોરણે કરવામાં આવશે. આ સપ્લાયનો લાભ મેળવવા તમામ કોમર્શિયલ ગ્રાહકોએ ઓઇલ કંપનીઓ પાસે પોતાની સત્તાવાર નોંધણી કરાવવી એકદમ ફરજિયાત રહેશે. 

 

અત્યાર સુધીમાં ૧૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ગેસ વિતરણની સત્તાવાર માર્ગદર્શિકા તૈયાર કરી લીધી છે. વિવિધ ડિજિટલ મીડિયાના અહેવાલો મુજબ, સરકારના આ ત્વરિત પગલાંથી બજારમાં ફેલાયેલો ગભરાટ અને કાળાબજારી ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. 

 

દરમિયાન ન્યુઝ ફર્સ્ટનો જણાવે છે કે  આગામી ૨૯ માર્ચ આસપાસ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો આવી શકે છે

(12:26 PM IST)