News of Sunday, 22nd March 2026
મધરાતે હાઈવે પર મોતની ત્રાડ: ચિત્રકોંડાના ધારાસભ્ય સહિત ૩૭ મુસાફરો ભરેલી બસ ભડભડ સળગી, ડ્રાઈવરની સતર્કતાએ સર્જ્યો ચમત્કાર
ભુવનેશ્વરથી મલકાનગિરી જતી "નીલકંઠેશ્વર" બસમાં ટાયર ફાટતા આંધ્રપ્રદેશના રામભદ્રપુરમ નજીક સર્જાયો ભીષણ અકસ્માત: ધારાસભ્ય મંગુ ખિલાએ જીવના જોખમે બાળકો અને મહિલાઓને ઉગાર્યા, બસ બળીને ખાખ

રાજકોટ: રવિવારે વહેલી સવારે ઓડિશા-આંધ્રપ્રદેશ સરહદ પર એક કાળજું ધ્રુજાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. ભુવનેશ્વરથી મલકાનગિરી જઈ રહી રહેલી ખાનગી લક્ઝરી બસમાં સવારે ૩:૦૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ બસમાં ચિત્રકોંડાના ધારાસભ્ય મંગુ ખિલા સહિત કુલ ૩૭ મુસાફરો સવાર હતા. જે સમયે અકસ્માત થયો ત્યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, પરંતુ પાછળનું ટાયર ફાટવાની સાથે જ બસમાં ધુમાડાના ગોટા ઉઠતા મોતનો ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે ડ્રાઈવરને સમયસર ખતરાનો અહેસાસ થતા તેણે બસ રોકી તમામ મુસાફરોને જગાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
આ ભયાનક દુર્ઘટનામાં ધારાસભ્ય મંગુ ખિલાએ માત્ર પોતાનો જીવ જ ન બચાવ્યો, પરંતુ એક સાચા લોકપ્રતિનિધિ તરીકે બચાવ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. બસમાં આગની જ્વાળાઓ પ્રસરી રહી હતી ત્યારે તેમણે જીવના જોખમે મહિલાઓ અને નાના બાળકોને બારીઓ વાટે બહાર કાઢવામાં મદદ કરી હતી. આ બચાવ કાર્ય દરમિયાન ધારાસભ્યના હાથ અને પગમાં સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ડ્રાઈવરની સતર્કતા અને મુસાફરોની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે, જોકે મુસાફરોનો તમામ કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે.
પ્રાથમિક તપાસમાં પોલીસ અને નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ટાયર ફાટ્યા બાદ ઘર્ષણને કારણે અથવા શોર્ટ સર્કિટના પરિણામે આગ લાગી હોઈ શકે છે. આંધ્રપ્રદેશના રામભદ્રપુરમ નજીક હાઈવે પર બનેલી આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને લોખંડનું માળખું બની ગઈ છે. પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસની તમામ બારીઓ ખોલી નાખી હતી, જેના કારણે ઝેરી ધુમાડો અંદર ભરાઈ ન રહ્યો અને મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા. ધારાસભ્ય પોતે ભુવનેશ્વરના રસુલગઢ બસ સ્ટેન્ડથી આ મુસાફરીમાં જોડાયા હતા.
ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન મલકાનગિરી તરફ રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ હાલમાં બસમાં આગ લાગવાના ટેકનિકલ કારણોની ઊંડી તપાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હીમાં પર્યટન ક્ષેત્રે નવા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ૩૭ વર્ષ બાદ ડબલ-ડેકર બસો ફરી શરૂ કરવામાં આવશે. આ બસોમાં મુસાફરોને ઐતિહાસિક માહિતી આપવા માટે ગાઈડની પણ વ્યવસ્થા હશે, જેનું ભાડું પુખ્ત વયના લોકો માટે ₹૫૦૦ અને બાળકો માટે ₹૩૦૦ રાખવામાં આવ્યું છે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
