News of Sunday, 22nd March 2026
હવાઈ મુસાફરી મોંઘી બનશે: કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ ભાડા પરની મર્યાદા હટાવી, એરલાઈન્સને મળી છૂટો દોર
પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર હવે આસમાને: જેટ ફ્યુઅલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયાના ધોવાણ વચ્ચે એરલાઈન્સની માંગણી સ્વીકારાઈ, ૨૩ માર્ચથી અમલી બનશે નવો આદેશ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક હવાઈ મુસાફરીના ભાડા પર લાદવામાં આવેલી કામચલાઉ મર્યાદા (કેપિંગ) હટાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં સર્જાયેલા વિક્ષેપ અને ભાડામાં થયેલા અચાનક ઉછાળા બાદ સરકારે હસ્તક્ષેપ કરીને મહત્તમ ભાડાની મર્યાદા નક્કી કરી હતી, જે હવે સોમવાર ૨૩ માર્ચથી નાબૂદ કરવામાં આવશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેનાથી એરલાઈન્સ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સની રજૂઆત બાદ સરકારે મુક્ત બજારના સિદ્ધાંતોને આધારે ભાડા નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે.
અત્યાર સુધી મુસાફરીના અંતર મુજબ સરકાર દ્વારા નક્કી કરાયેલ ₹૭,૫૦૦ થી ₹૧૮,૦૦૦ સુધીની મર્યાદામાં જ એરલાઈન્સ ભાડું વસૂલી શકતી હતી. જોકે, હવે આ મર્યાદા હટતા જ એરલાઈન્સે ઇંધણ સરચાર્જ સહિતના વધારાના ખર્ચ મુસાફરો પાસેથી વસૂલવાની તૈયારી કરી લીધી છે. પશ્ચિમ એશિયામાં એરસ્પેસ પ્રતિબંધોને કારણે એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી એરલાઇન્સને લાંબા રૂટ લેવા પડી રહ્યા છે, જેના પરિણામે ઉડ્ડયન સમય અને ઇંધણનો વપરાશ બંને વધ્યા છે. આ આર્થિક બોજને હળવો કરવા માટે એરલાઈન્સ હવે માંગ અને પુરવઠાના આધારે પોતાના ભાડામાં ફેરફાર કરવા માટે સ્વતંત્ર છે, જેની સીધી અસર પ્રવાસીઓના ખિસ્સા પર પડશે.
સરકારે આ છૂટછાટ આપવાની સાથે એરલાઈન્સ કંપનીઓને કડક શિસ્ત જાળવવા પણ સૂચના આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભાડા નિર્ધારણમાં પારદર્શિતા જળવાવી જોઈએ અને મુસાફરોના હિતોને પ્રતિકૂળ અસર ન થવી જોઈએ. જો કોઈ એરલાઈન ગેરવાજબી રીતે ભાડામાં વધારો કરશે અથવા કટોકટીનો ગેરલાભ ઉઠાવશે, તો સરકાર ફરીથી નિયમનકારી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. મંત્રાલય સતત હવાઈ ભાડાના વલણોનું નિરીક્ષણ કરશે જેથી કરીને એરલાઈન્સની આ મનમાની મર્યાદામાં રહે અને સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી અશક્ય ન બની જાય.
બીજી તરફ, પશ્ચિમ એશિયાના તણાવની માઠી અસર હવે ભારતના ઔદ્યોગિક શહેરો પર પણ વર્તાઈ રહી છે. ગુજરાતના સુરત જેવા મોટા મથકો પર ગેસ પુરવઠો ખોરવાતા અને ઇંધણની અછત સર્જાતા નાના ઉદ્યોગો અને કારખાનાઓ ઠપ્પ થઈ રહ્યા છે. એલપીજી ગેસની અછતને કારણે અનેક ફેક્ટરીઓ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી છે, જેના પરિણામે સ્થળાંતરિત કામદારો મોટી સંખ્યામાં વતનની વાટ પકડી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર ઉડ્ડયન ક્ષેત્ર જ નહીં પરંતુ દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે પણ ચિંતાનો વિષય બની છે. આગામી દિવસોમાં જો આંતરરાષ્ટ્રીય સ્થિતિ વધુ વણસશે તો પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવી શકે છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
