News of Sunday, 22nd March 2026
મહારાષ્ટ્ર બાદ હવે કેરળના રણમેદાનમાં 'પવાર વિરુદ્ધ પવાર': NCPના બંને જૂથો આમને-સામને, કોણ મારશે બાજી?
શરદ પવારની 'વાંસળી' અને અજિત પવારની 'ઘડિયાળ' વચ્ચે જામશે ખરાખરીનો જંગ: કેરળ વિધાનસભાની ૧૪૦ બેઠકો માટે ૯ એપ્રિલે મતદાન, પ્રદેશ પ્રમુખ પી.સી. ચાકોના રાજીનામાથી રાજકીય ગરમાવો

તિરુવનંતપુરમ: મહારાષ્ટ્રના રાજકારણમાં ભંગાણ બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં પોતાની તાકાત બતાવવા તૈયાર છે. કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માં શરદ પવારની આગેવાની હેઠળની NCP-SP અને અજિત પવારનું NCP જૂથ સામસામે ટકરાશે. હાલમાં કેરળમાં NCP પાસે બે ધારાસભ્યો છે, જે ૨૦૨૧ માં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના ગઠબંધન સાથે ચૂંટાયા હતા. વિભાજન બાદ આ બંને ધારાસભ્યોએ શરદ પવારને સાથ આપ્યો છે, પરંતુ અજિત પવાર જૂથે હવે 'ઘડિયાળ' પ્રતીક સાથે મેદાનમાં ઉતરીને શરદ પવારના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી છે.
રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, શાસક પક્ષ LDF એ ફરી એકવાર શરદ પવાર જૂથ પર વિશ્વાસ મૂકીને તેમને ત્રણ બેઠકો ફાળવી છે. આ બેઠકો પર શરદ પવારના ઉમેદવારો "વાંસળી વગાડનાર માણસ" ના પ્રતીક સાથે ચૂંટણી લડશે. બીજી તરફ, અજિત પવાર જૂથે કોઈ પણ ગઠબંધન વગર સ્વતંત્ર રીતે ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા બ્રજમોહન શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું છે કે સોમવારે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને તે જ દિવસે ફોર્મ પણ ભરવામાં આવશે. અજિત પવાર માટે આ ચૂંટણી માત્ર બેઠકો જીતવા પૂરતી નથી, પરંતુ પક્ષના નામ અને પ્રતીક પર પોતાનો અસલી હક સાબિત કરવાનો પણ એક પડકાર છે.
ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ શરદ પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે, કારણ કે કેરળ NCP ના પ્રદેશ પ્રમુખ પી.સી. ચાકોએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાથી ડાબેરી ગઠબંધનમાં પણ ચિંતા પ્રસરી છે. સામે પક્ષે અજિત પવાર જૂથમાં પણ સ્થિતિ બહુ સ્પષ્ટ નથી, કારણ કે નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ એન.એ. મુહમ્મદ કુટ્ટીએ પણ રાજીનામું આપીને કોટ્ટક્કલ બેઠક પરથી અપક્ષ તરીકે લડવાનો નિર્ણય લીધો છે. નેતાઓની આ ખેંચતાણ અને પક્ષપલટાની સીધી અસર મતદારો પર પડી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં NCP ની પરંપરાગત વોટબેંક મજબૂત છે.
કેરળમાં ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને ૪ મેના રોજ પરિણામો જાહેર થશે. મુખ્ય સ્પર્ધા સીપીઆઈ(એમ) ના નેતૃત્વ હેઠળના LDF અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF વચ્ચે છે, પરંતુ પવાર પરિવારનો આ આંતરિક કલહ ત્રીજા પક્ષ તરીકે કયા ગઠબંધનને ફાયદો કરાવશે તે જોવું રસપ્રદ રહેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો અજિત પવાર જૂથ શરદ પવારના મતો કાપવામાં સફળ રહેશે, તો તેનો સીધો ફાયદો કોંગ્રેસ ગઠબંધન અથવા ભાજપને મળી શકે છે. મહારાષ્ટ્રની જેમ કેરળમાં પણ હવે 'કાકા-ભત્રીજા' ના જંગમાં જનતા કોને પવાર પાવરનો અસલી વારસદાર ગણે છે તેનો ફેંસલો ૪ મેના રોજ થશે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
