News of Sunday, 22nd March 2026
'ઓપરેશન સર્ચલાઇટ'નો કાળો ઇતિહાસ: ૧૯૭૧ના બંગાળી હિન્દુ નરસંહારને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવા અમેરિકામાં ગુંજ્યો અવાજ
અમેરિકન કોંગ્રેસમેન ગ્રેગ લેન્ડ્સમેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કર્યો ઐતિહાસિક ઠરાવ: પાકિસ્તાની સેના અને જમાત-એ-ઇસ્લામીના પાશવી અત્યાચારોને 'માનવતા વિરુદ્ધના ગુના' જાહેર કરવા માંગ, ૩૦ લાખ લોકોની હત્યા અને લાખો મહિલાઓ પરના બળાત્કારના પુરાવા રજૂ કરાયા

વોશિંગ્ટન: ૨૫ માર્ચ, ૧૯૭૧ની એ કાળી રાત્રિ જ્યારે પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ)માં 'ઓપરેશન સર્ચલાઇટ'ના નામે નિર્દોષ બંગાળી હિન્દુઓ અને બૌદ્ધિકો પર મોતનું તાંડવ ખેલ્યું હતું, તે ભયાનક નરસંહાર હવે અમેરિકન સંસદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમેરિકન કોંગ્રેસમેન ગ્રેગ લેન્ડ્સમેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક શક્તિશાળી ઠરાવ રજૂ કરીને માંગણી કરી છે કે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા આ વ્યવસ્થિત અત્યાચારોને અધિકૃત રીતે 'નરસંહાર' અને 'યુદ્ધ અપરાધ' જાહેર કરવામાં આવે. ઓહિયોના ડેમોક્રેટ લેન્ડ્સમેને રજૂ કરેલા આ ઠરાવને હવે વિદેશ બાબતોની સમિતિને સુપરત કરવામાં આવ્યો છે, જે ભારત અને બાંગ્લાદેશના ઇતિહાસના આ લોહિયાળ પ્રકરણને વૈશ્વિક સ્તરે ન્યાય અપાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
આ ઠરાવમાં ૧૯૭૧ના એ ભયાનક આંકડાઓ અને ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેણે સમગ્ર માનવતાને શર્મસાર કરી હતી. પાકિસ્તાની સેનાએ જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી જૂથો સાથે મળીને ખાસ કરીને હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવ્યા હતા. આંકડાઓ મુજબ, આ દમન દરમિયાન આશરે ૩૦ લાખ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને ૪ લાખથી વધુ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. ઠરાવમાં ભારપૂર્વક જણાવાયું છે કે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ માત્ર રાજકીય વિરોધને ડામવા માટે જ નહીં, પરંતુ વંશીય અને ધાર્મિક સફાયાના ઈરાદાથી બંગાળી નેતાઓ, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોની સંગઠિત હત્યા કરી હતી.
ઐતિહાસિક 'બ્લડ ટેલિગ્રામ'નો સંદર્ભ આપતા લેન્ડ્સમેને જણાવ્યું કે, ૨૮ માર્ચ, ૧૯૭૧ના રોજ ઢાકામાં તત્કાલીન યુએસ કોન્સ્યુલ જનરલ આર્ચર બ્લડે વોશિંગ્ટનને ચેતવણી આપી હતી. તેમણે આ હિંસાને "સિલેક્ટિવ મેસેકર" (પસંદગીયુક્ત કતલ) ગણાવી હતી. ૬ એપ્રિલ, ૧૯૭૧ના રોજ મોકલવામાં આવેલા આ ટેલિગ્રામમાં અમેરિકાના ૨૦ રાજદ્વારીઓએ પોતાની જ સરકારના મૌન સામે બળવો કર્યો હતો. બ્લડે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે આ એક સાર્વભૌમ દેશનો આંતરિક મામલો નથી, પરંતુ ખુલ્લેઆમ થઈ રહેલો નરસંહાર છે. આ દસ્તાવેજ આજે પણ પાકિસ્તાની સેનાના અત્યાચારો સામે અમેરિકન વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના સૌથી મોટા પુરાવા તરીકે ઓળખાય છે.
ગ્રેગ લેન્ડ્સમેન દ્વારા રજૂ કરવામાં આવેલો આ ઠરાવ યુએસ રાષ્ટ્રપતિને વિનંતી કરે છે કે તેઓ ૧૯૭૧ના આ અત્યાચારોને માનવતા વિરુદ્ધના ગુના તરીકે ઓળખે. ઠરાવમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ધાર્મિક લઘુમતી હિન્દુઓને ખાસ નિશાન બનાવીને તેમને જાતીય ગુલામી, બળજબરીથી ધર્માંતરણ અને દેશનિકાલ માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ ઠરાવ પસાર થવાથી માત્ર પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધશે એટલું જ નહીં, પરંતુ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના લાખો પીડિતોને ૫૫ વર્ષ બાદ નૈતિક ન્યાય મળવાની આશા જાગી છે. આ પહેલ વિશ્વના અન્ય ભાગોમાં થતા નરસંહાર સામે પણ એક કડક સંદેશ આપે તેવી શક્યતા છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
