હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝની સામુદ્રધુની બિનશરતી ખુલ્લી કરવા ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ : પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધના એંધાણ
ઈરાને અમેરિકી પડકાર સ્વીકારી ખાડી દેશોના વોટર પ્લાન્ટ અને ઉર્જા મથકો પર હુમલાની આપી ધમકી : તેહરાને પાવર ગ્રીડ પરના સંભવિત હુમલાને યુદ્ધ અપરાધ ગણાવી વળતો પ્રહાર કરવાની તૈયારી બતાવતા વૈશ્વિક સ્તરે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીને કોઈપણ શરત વગર તાત્કાલિક અસરથી દરિયાઈ વાહનવ્યવહાર માટે ખુલ્લી કરવામાં આવે. જો ઈરાન આ સમયમર્યાદામાં આદેશનું પાલન નહીં કરે, તો અમેરિકા ઈરાનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા નેટવર્ક પર સીધા હુમલા કરશે તેવી ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
ઈરાનનો વળતો પ્રહાર અને ચેતવણી:
અમેરિકાના આ આકરા વલણ સામે ઈરાને પણ પીછેહઠ કરવાને બદલે પડકાર ફેંક્યો છે. તેહરાને અમેરિકાની આ ધમકીને ‘યુદ્ધ અપરાધ’ ગણાવી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેના પાવર ગ્રીડ પર હુમલો થશે, તો તે અમેરિકાના સાથી એવા ખાડી દેશો (Gulf Nations) ના ઉર્જા મથકો, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને દરિયાઈ પાણીને પીવાલાયક બનાવતા ડિસેલિનેશન પ્લાન્ટ્સને નિશાન બનાવશે. ઈરાને અગાઉ ઈઝરાયેલના ડિમોના અને અરાદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મિસાઈલ હુમલા કરીને પોતાની સચોટ પ્રહાર ક્ષમતા અને એર ડિફેન્સ સિસ્ટમને ભેદવાની શક્તિનું પ્રદર્શન કર્યું છે, જેનાથી ખાડી દેશોમાં ચિંતા વધી છે.
પાણીના પ્લાન્ટ્સ પર જોખમ અને માનવીય સંકટ:
નિષ્ણાતોના મતે સૌથી મોટું જોખમ પાણીના પુરવઠા પર છે. સાઉદી અરેબિયા અને યુએઈ જેવા ખાડી દેશો પીવાના પાણી માટે ૯૦ થી ૯૯ ટકા જેટલા ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર નિર્ભર છે. જો ઈરાન આ પ્લાન્ટ્સ પર હુમલો કરે, તો આ પ્રદેશમાં ગંભીર માનવીય સંકટ સર્જાઈ શકે છે. બીજી તરફ, ઈરાનનું એનર્જી નેટવર્ક વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હોવાથી તેને માત્ર એક કે બે હુમલાથી તોડી પાડવું અમેરિકા માટે સરળ નથી, તે માટે લાંબા સમય સુધી સૈન્ય અભિયાન ચલાવવું પડી શકે તેમ છે.
રાજદ્વારી દબાણ કે યુદ્ધની શરૂઆત?
વર્તમાન સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કાં તો અમેરિકા અત્યંત ઊંચા સ્તરે રાજદ્વારી વાટાઘાટો માટે દબાણ કરી રહ્યું છે અથવા આ વિવાદ સીધા સશસ્ત્ર સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે. બંને પક્ષો યુદ્ધ માટે તૈયાર હોવાના સંકેતો આપી રહ્યા છે, ત્યારે આગામી કલાકો નક્કી કરશે કે પશ્ચિમ એશિયામાં મુત્સદ્દીગીરી જીતશે કે પછી આ ક્ષેત્ર વિનાશક યુદ્ધની આગમાં હોમાઈ જશે. વિશ્વભરની નજર અત્યારે હોર્મુઝની સામુદ્રધુની અને વોશિંગ્ટન પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
