<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મુંબઈમાં રિક્ષાના મામૂલી વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: મલાડમાં ચાર યુવતીઓ પર ટોળાનો હુમલો, વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

શેરિંગ રિક્ષામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં પઠાણવાડી પાસે 20 જેટલા શખ્સોએ દીકરીઓને ઘેરી લીધી; સંજય નિરુપમની આગેવાનીમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરપકડનો દોર શરૂ

મુંબઈ: માયાનગરી મુંબઈના મલાડ વિસ્તારમાં રિક્ષા ભાડાના નજીવા વિવાદે કોમી અને હિંસક વળાંક લેતા સમગ્ર પંથકમાં સનાટી મચી ગઈ છે. મલાડ રેલવે સ્ટેશન નજીક ખરીદી કરવા ગયેલા એક ગુજરાતી પરિવારની ચાર યુવતીઓ અને અન્ય મહિલાઓ વચ્ચે શેરિંગ રિક્ષામાં બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો થોડી જ વારમાં આક્રમક બની ગયો હતો અને આરોપ છે કે કુરારના પઠાણવાડી વિસ્તારમાં આશરે 20 જેટલા પુરુષોના ટોળાએ ચાર યુવતીઓને ઘેરી લઈ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.

ઘટનાની વિગતો મુજબ, પીડિત યુવતીઓ રિક્ષાની લાઇનમાં ઉભી હતી ત્યારે અન્ય પક્ષની મહિલાઓએ આગળ જવાની જીદ કરતા વિવાદ વકર્યો હતો. જોકે, શરૂઆતમાં આ માત્ર શાબ્દિક ઝઘડો હતો, પરંતુ પીડિતો જ્યારે આગળ વધ્યા ત્યારે પઠાણવાડી પાસે ટોળાએ તેમને આંતરી લીધા હતા. પૂર્વ સાંસદ સંજય નિરુપમે આ મામલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, ઇસ્લામાપુરાના શખ્સોએ એકત્ર થઈને યુવાન છોકરીઓ પર હુમલો કર્યો છે, જે મોબ લિંચિંગ જેવી જ ઘટના છે. આ હુમલા બાદ પીડિત પરિવારો અને સેંકડો રહેવાસીઓએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને હનુમાન ચાલીસાના પાઠ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં બે મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કુરાર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સંજય નિરુપમે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી તમામ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી છે. પોલીસે પણ પરિસ્થિતિને જોતા આગામી 24 થી 48 કલાકમાં તમામ ફરાર આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી છે.
હાલમાં મલાડ અને કુરાર વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. સ્થાનિક રહીશોની માંગ છે કે ભરચક વિસ્તારમાં દીકરીઓ સાથે થયેલી આ ગેરવર્તણૂક બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા કરી રહી છે.

(4:28 PM IST)