<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

તાલિબાનના હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું: PSL દર્શકો વિના યોજાશે: મેચો ફક્ત બે શહેરોમાં યોજાશે : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય

તાલિબાનના હુમલા અને ઇંધણ સંકટને કારણે પીએસએલની ચમક ફીકી પડી: હવે માત્ર કરાચી અને લાહોરમાં જ રમાશે મેચો, ચાહકોના પ્રવેશ પર પ્રતિબંધ અને ઉદઘાટન સમારોહ પણ રદ

કરાચી : પાકિસ્તાનમાં હાલની સુરક્ષા સ્થિતિ અને પડોશી અફઘાનિસ્તાન તરફથી વધી રહેલા હુમલાઓએ રમતગમત જગતને હચમચાવી દીધું છે. PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ જાહેરાત કરી છે કે આગામી PSL 2026 હવે નિર્ધારિત છ શહેરોને બદલે માત્ર બે જ શહેરો, કરાચી અને લાહોરમાં મર્યાદિત રહેશે. સૌથી મોટો આંચકો ક્રિકેટ પ્રેમીઓને લાગ્યો છે, કારણ કે આ આખી ટૂર્નામેન્ટ દર્શકો વિના રમાડવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ સ્ટેડિયમમાં હજારોની મેદની એકઠી થવી જોખમી જણાતા સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.

માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં ચાલી રહેલી ભીષણ ઇંધણ કટોકટી પણ આ નિર્ણય પાછળનું એક મુખ્ય કારણ છે. દેશમાં જાહેર હિલચાલ ઘટાડવા માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને 'વર્ક ફ્રોમ હોમ' લાગુ કરાયું છે. આવી કપરી સ્થિતિમાં હજારો લોકોને સ્ટેડિયમ સુધી લાવવા માટે પરિવહનની વ્યવસ્થા કરવી અશક્ય હોવાથી PCB એ આર્થિક અને વ્યવહારુ જોખમ ટાળ્યું છે. જે ચાહકોએ અગાઉથી ટિકિટો ખરીદી લીધી હતી, તેમને આગામી 72 કલાકમાં સંપૂર્ણ રિફંડ આપવાની ખાતરી આપવામાં આવી છે, જે ફ્રેન્ચાઇઝીઓ માટે પણ આર્થિક ફટકો સાબિત થશે.

તણાવપૂર્ણ માહોલ હોવા છતાં, 26 માર્ચથી 3 મે સુધી ચાલનારા આ ક્રિકેટ જંગમાં કુલ 8 ટીમો વચ્ચે 44 મેચો રમાશે. આ વખતે હૈદરાબાદ કિંગ્સમેન અને રાવલપિંડી પિંડીઝ જેવી નવી ટીમોના ઉમેરા સાથે સ્પર્ધા વધુ રોમાંચક બનવાની આશા હતી, પરંતુ સ્ટેડિયમમાં ચાહકોના શોરબકોર વિના ખેલાડીઓનો ઉત્સાહ જાળવી રાખવો એક મોટો પડકાર હશે. 3 મેના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે, પરંતુ ઉદઘાટન સમારોહ રદ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે આ લીગની બ્રાન્ડ વેલ્યુ પર પ્રશ્નો ઊભા થયા છે.

(5:30 PM IST)