<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો 'ગન ટેક્સ' પેંતરો: એક જહાજ પસાર કરવા માટે 2 મિલિયન ડોલર ચૂકવવા પડશે!

ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ વચ્ચે તેહરાનની ખુલ્લી પડકાર: જો અમેરિકા પાવર પ્લાન્ટ પર હુમલો કરશે તો મધ્ય પૂર્વના યુએસ સૈન્ય મથકોને 'ખંડેર' બનાવી દેવાની ઈરાની સૈન્યની ભયાનક ચેતવણી

તેહરાન: વિશ્વના ૨૦% ઉર્જા પુરવઠાના પ્રવેશદ્વાર સમાન 'હોર્મુઝ સ્ટ્રેટ' હવે ઈરાન માટે વસૂલાતનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ઈરાની સંસદના શક્તિશાળી નેતા અલાએદ્દીન બોરોજેર્દીએ સંકેત આપ્યો છે કે આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા દરેક જહાજ પાસેથી ઈરાન $2 મિલિયન (અંદાજે ₹18 કરોડથી વધુ) વસૂલવાનો અધિકાર ધરાવે છે. પશ્ચિમી મીડિયા આને "ગન ટેક્સ" ગણાવી રહ્યું છે, જ્યારે ઈરાન તેને પોતાની સાર્વભૌમત્વ અને દરિયાઈ સરહદ પરના કબજાના પ્રતીક તરીકે જોઈ રહ્યું છે. આ પગલાથી વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે જો ઈરાન વિનાશરત આ દરિયાઈ માર્ગ ખુલ્લો નહીં કરે, તો અમેરિકી વાયુસેના સીધા જ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખાગત સુવિધાઓ પર પ્રચંડ હુમલો કરશે. વોશિંગ્ટન કોઈપણ સંજોગોમાં તેલના પુરવઠાને ઈરાનના બંધક બનવા દેવા માંગતું નથી, જેના કારણે ખાડીના દેશોમાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને અમેરિકી નૌકાદળ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

જોકે, અમેરિકાની આ સીધી સૈન્ય ધમકી સામે ઝૂકવાને બદલે ઈરાને વધુ ખતરનાક વળતી ચેતવણી આપી છે. ઈરાનની શક્તિશાળી લશ્કરી પાંખ 'ખાતમ અલ-અંબિયા'એ પ્રતિજ્ઞા લીધી છે કે જો ઈરાનના એક પણ પાવર પ્લાન્ટ પર હુમલો થયો, તો સમગ્ર મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકી અને ઈઝરાયલી સૈન્ય મથકોને પળવારમાં રાખમાં ફેરવી દેવામાં આવશે. બંને પક્ષો વચ્ચેની આ 'માઈન્ડ ગેમ' હવે વાસ્તવિક યુદ્ધમાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો આ સંઘર્ષ વધશે તો ભારત સહિતના એશિયન દેશોમાં ઈંધણની ભારે કટોકટી સર્જાઈ શકે છે.

(6:25 PM IST)