News of Sunday, 22nd March 2026
આતંકવાદનો અજગર પાકિસ્તાનને ગળી રહ્યો છે: 'ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026' માં પાકિસ્તાન દુનિયામાં નંબર-1
TTP અને BLA ના તાંડવથી પાકિસ્તાન લોહીલુહાણ : વર્ષ 2025 માં 1,000 થી વધુ હુમલા અને હજારોના મોત સાથે સુરક્ષા સ્થિતિ 13 વર્ષના સૌથી નીચલા સ્તરે : ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન બન્યા 'ડેથ ઝોન'

ઈસ્લામાબાદ : વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. તાજેતરમાં બહાર પડેલા 'ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2026' ના ચોંકાવનારા રિપોર્ટે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન હવે સત્તાવાર રીતે આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર, ૧૬૩ દેશોની યાદીમાં પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે ટોચ પર છે. ૨૦૧૩ પછી પહેલીવાર અહીં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુઆંક એટલી હદે વધ્યો છે કે જેણે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્ષ ૨૦૨૫ માં જ દેશમાં ૧,૧૩૯ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે દર્શાવે છે કે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદી સંગઠનો સામે સંપૂર્ણપણે લાચાર બની ગઈ છે.
આ ભયાનક સ્થિતિ પાછળ 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) નો સૌથી મોટો હાથ છે. TTP હવે માત્ર પાકિસ્તાન જ નહીં, પણ વૈશ્વિક સ્તરે ત્રીજા નંબરનું સૌથી ઘાતક આતંકવાદી જૂથ બની ગયું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં થયેલા કુલ મૃત્યુમાંથી અડધાથી વધુ હુમલાઓ TTP દ્વારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા પ્રાંતોમાં આતંકવાદીઓએ સમાંતર સત્તા સ્થાપી હોય તેવો માહોલ છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને અફઘાનિસ્તાન સરહદેથી થતી ઘૂસણખોરીએ પાકિસ્તાનની આર્થિક કમર તોડવાની સાથે તેની આંતરિક સુરક્ષાને પણ છિન્ન-ભિન્ન કરી નાખી છે.
જ્યારે ભારત સહિતના પડોશી દેશોમાં આતંકવાદની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનમાં આ આંકડો રોકેટ ગતિએ વધી રહ્યો છે. આર્થિક કંગાળીયત, રાજકીય અસ્થિરતા અને કટ્ટરપંથી વિચારધારાના ઝેરને કારણે પાકિસ્તાન પોતે જ એક ટાઈમ બોમ્બ પર બેઠું હોય તેમ લાગે છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો પાકિસ્તાન તેની 'ગુડ ટેરરિસ્ટ-બેડ ટેરરિસ્ટ' ની નીતિ નહીં છોડે, તો ૨૦૨૬ ના અંત સુધીમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. આ રિપોર્ટ વિશ્વ સમુદાય માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે પાકિસ્તાનમાં વધતો આતંકવાદ સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ માટે મોટું જોખમ છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
