<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

શ્રીલંકામાં હાહાકાર: પેટ્રોલ-ડીઝલના ભાવ ₹400 ને પાર, દેશ ફરી 2022 જેવી કંગાળીયત તરફ!

મધ્ય પૂર્વના યુદ્ધે લંકા દઝાડી: એક જ અઠવાડિયામાં બીજી વાર ઇંધણમાં 25% નો તોતિંગ વધારો : બસ ભાડામાં વધારાની માંગ સાથે દેશવ્યાપી હડતાળના એંધાણ;

કોલંબો: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી જંગની જ્વાળાઓએ શ્રીલંકાના અર્થતંત્રને હોમી દીધું છે. રવિવારે મોડી રાત્રે સરકારે ઇંધણના ભાવમાં ૨૫ ટકાનો આકરો વધારો ઝીંકતા જનતામાં ફફડાટ ફેલાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે તેલના પુરવઠામાં સર્જાયેલી અછતને પગલે હવે શ્રીલંકામાં ૯૫ ઓક્ટેન પેટ્રોલની કિંમત ₹455 પ્રતિ લિટર અને સુપર ડીઝલ ₹443 પ્રતિ લિટર જેવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. આ વધારો એટલો અચાનક છે કે લોકોમાં ૨૦૨૨ના એ દિવસોની યાદ તાજી થઈ ગઈ છે જ્યારે દેશ ડિફોલ્ટ જાહેર થયો હતો અને રાષ્ટ્રપતિને પદ છોડવું પડ્યું હતું.

ઇંધણના ભાવમાં થયેલા આ વિસ્ફોટની સીધી અસર પરિવહન ક્ષેત્ર પર પડી છે. ખાનગી બસ ઓપરેટરોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો ભાડામાં તાત્કાલિક ૧૫ ટકાનો વધારો નહીં કરવામાં આવે, તો તેઓ પોતાની ૯૦ ટકા બસો રસ્તા પરથી ઉતારી લેશે. નેશનલ ટ્રાન્સપોર્ટ કમિશન (NTC) મુજબ સોમવારે કેબિનેટની મંજૂરી બાદ નવા બસ ભાડા અમલમાં આવી શકે છે, પરંતુ તેનાથી સામાન્ય મુસાફરોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જશે. વિપક્ષી નેતાઓ સરકાર પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ પર લેવામાં આવતો મસમોટો ટેક્સ નાબૂદ કરવો જોઈએ, જેથી લોકોને આ કાળઝાળ મોંઘવારીમાં થોડી રાહત મળી શકે.

શ્રીલંકાની સરકાર અત્યારે બેવડી મુસીબતમાં છે; એક તરફ તેલના વધતા ભાવ અને બીજી તરફ ફુગાવામાં ૫ થી ૮ ટકાનો સંભવિત ઉછાળો. પ્રશાસને લોકોને ઇંધણ અને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને સંગ્રહખોરીથી બચવા કરગરીને અપીલ કરી છે. જો આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં શાંતિ નહીં સ્થપાય, તો શ્રીલંકામાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે. ૨૦૨૨ની કટોકટીમાંથી માંડ બહાર આવી રહેલું આ ટાપુ રાષ્ટ્ર ફરી એકવાર અસ્થિરતાના ખાઈમાં ધકેલાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

(8:49 PM IST)