<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઈરાને કહ્યું 'થેન્ક્યુ ઇન્ડિયા': કશ્મીરીઓએ ઈરાન માટે દિલ ખોલીને દાન કર્યું, મહિલાઓએ સોના-ચાંદી આપ્યા

*જમ્મુ-કશ્મીરના બડગામમાં આંતરરાષ્ટ્રીય એકતાનું અનોખું ઉદાહરણ: યુદ્ધગ્રસ્ત ઈરાનની મદદે આવ્યા સ્થાનિક લોકો*

જમ્મુ: યુદ્ધનો ભયાનક સામનો કરી રહેલા ઈરાન માટે ભારતમાંથી મદદના હાથ લંબાયા છે. જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લામાં લોકોએ ઈરાનના સમર્થનમાં રોકડ, વાસણો અને ઘરેણાંનું દાન કર્યું છે, જેના બદલામાં ઈરાન સરકારે ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

મધ્ય પૂર્વના સંઘર્ષમાં ઘેરાયેલા ઈરાન માટે જમ્મુ-કશ્મીરના બડગામ વિસ્તારમાંથી માનવતાનું એક અદભુત ઉદાહરણ સામે આવ્યું છે. બડગામના સુંદીપોરા ગામના લોકોએ એકઠા થઈને ઈરાનના સમર્થનમાં મોટા પાયે આર્થિક અને ભૌતિક મદદ એકત્ર કરી છે.

અહેવાલો મુજબ, આ ગામના લોકોએ માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ પોતાના ઘરના રોજિંદા વાસણો પણ દાનમાં આપી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક મહિલાઓએ તો પોતાના સોના અને ચાંદીના કિંમતી ઘરેણાં પણ સંકટગ્રસ્ત લોકોની મદદે મોકલવા અર્પણ કર્યા છે. ભારતીયો દ્વારા દાખવવામાં આવેલી આ અત્યંત ભાવનાત્મક ઉદારતાથી પ્રભાવિત થઈને ઈરાને સત્તાવાર રીતે 'થેન્ક્યુ ઇન્ડિયા' નો સંદેશ પાઠવીને ભારત અને કશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

(11:25 PM IST)