<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વહુએ હાથ-પગ બાંધી ગળું દબાવ્‍યું: ઘરમાં જ ખેલ્‍યો ખુની ખેલ

પ્રેમમાં આંધળી બનેલી વહુનું જોઈ તમે પણ હચમચી જશોઃ લખનઉમાં સંબંધોને શરમજનક બનાવતી ઘટના સામે આવી : અહીં એક વહુએ પોતાના ગેરકાયદેસર સંબંધોમાં અવરોધ બની રહેલી દાદી સાસુની પોતાના પ્રેમી સાથે મળીને હત્‍યા કરી નાખી

લખનઉ તા.૨૩: ગેરકાયદેસર સંબંધોની આડમાં અનેક લોકો પોતાના પરિવારજનો કે સગાસંબંધીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોય છે, અમુક કિસ્‍સામાં તો મોતને ઘાટ પણ ઉતારી દે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નિશાતગંજ વિસ્‍તારમાં ગલી નંબર-૩માં પૌત્રવધુએ એક વૃદ્ધ મહિલાની હત્‍યા કરી દીધી. આ ઘટનાને લઈને પોલીસે મૃતક મહિલાની વહુ અને તેના પ્રેમીને દબોચી લીધા છે. હાલ બંને પોલીસ કસ્‍ટડીમાં છે અને કાર્યવાહી ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ૬૯ વર્ષીય નિર્મલા દેવી તરીકે થઈ છે. તેમના પતિનું લગભગ બે વર્ષ પહેલા અવસાન થયું હતું, ત્‍યારબાદ તેઓ પોતાના પૌત્ર અને વહુ સાથે રહેતા હતા. શનિવારે બપોરે લગભગ ચાર વાગ્‍યે તેમનો પૌત્ર ઘરે પહોંચ્‍યો ત્‍યારે તેણે જોયું કે રૂમમાં દાદી મૃત હાલતમાં છે. નિર્મલા દેવીના હાથ અને પગ બાંધેલા હતા. ત્‍યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ જ્‍યારે ઘટનાસ્‍થળ પર પહોંચી ત્‍યારે શરૂઆતમાં કેસ શંકાસ્‍પદ લાગ્‍યો હતો. એ સમયે મૃતકનો પૌત્ર ડ્‍યુટી પર બહાર હતો, જ્‍યારે ઘરમાં વહુ અને નાની દીકરી હાજર હતા. પોલીસને વહુનું વર્તન થોડું અજીબ લાગ્‍યું, એટલે તેને કસ્‍ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક વાત સામે આવી કે ઘરમાં લગાવેલા ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરા બપોરે ૨ વાગ્‍યાથી ૪ વાગ્‍યા વચ્‍ચે બંધ હતા.

આ પછી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્‍યા હતા. તેમાં એક ભાડુઆત રાજન શર્મા ઘરની બહાર જતા દેખાયો હતો. આ દરમિયાન કોઈ બીજો બહારનો વ્‍યક્‍તિ ઘરમાં આવતો-જતો જોવા મળ્‍યો નહીં. શંકા ત્‍યારે ઘેરાઈ જ્‍યારે ઘટના પછી તરત જ સીસીટીવી ચાલુ થઈ ગયા હતા.

મામલાની ગંભીરતા જોતા ફોરેન્‍સિક ટીમ અને ડોગ સ્‍ક્‍વોડને પણ બોલાવવામાં આવ્‍યા હતા. તપાસ દરમિયાન સ્‍નિફર ડોગ સીધો ઘટનાસ્‍થળથી થોડે દૂર ઊભેલા રાજન શર્મા પાસે જઈને ઊભો રહી ગયો. આ સંકેત પોલીસ માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ સાબિત થયો. જ્‍યારે પોલીસે રાજનની કડકાઈથી પૂછપરછ કરી, ત્‍યારે તેણે ગુનો કબૂલ કરી લીધો હતો.

પૂછપરછમાં ખુલ્‍યું છે કે રાજન શર્મા અને મૃતકની વહુ રંજના વચ્‍ચે ગેરકાયદેસર સંબંધો હતા. પરિવારના સભ્‍યો આ સંબંધનો વિરોધ કરતા હતા અને અનેક વખત બંનેને શંકાસ્‍પદ સ્‍થિતિમાં પકડ્‍યા પણ હતા. નિર્મલા દેવી પણ આ સંબંધનો વિરોધ કરતા હતા, જેના કારણે વહુ અને તેના પ્રેમી વચ્‍ચે નારાજગી વધી રહી હતી. આ જ કારણસર બંનેએ મળીને હત્‍યાનું કાવતરું ઘડ્‍યું હતું.

શનિવારે જ્‍યારે ઘરના પુરુષ સભ્‍યો બહાર હતા, ત્‍યારે રાજન અને રંજનાએ મળીને નિર્મલા દેવીનું ગળું દબાવીને હત્‍યા કરી હતી. હત્‍યા કર્યા પછી બંનેએ મૃતદેહને રૂમમાં જ છોડી દીધો હતો. હત્‍યા પછી આરોપી રાજનનું વર્તન વધુ ચોંકાવનારું હતું, તે ઘટના બાદ આસપાસ પોલીસની હરકત પર નજર રાખતો હતો. જોકે પોલીસે હાલ તો બંનેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

(10:06 AM IST)