News of Monday, 23rd March 2026
પેટ્રોલના ભાવ ૧૦૦ કે ૧૫૦ નહીં સીધા ૩૦૦ રુપિયાને પાર
પાકિસ્તાન સરકારની તિજોરી ભરવાની ચાલ કે હોર્મુઝ સંકટથી બરબાદ? : મધ્ય પૂર્વમાં ઈરાન યુદ્ધની અસર હવે પાકિસ્તાન પર સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે

ઇસ્લામાબાદ તા.૨૩: મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય સંઘર્ષ અને ઈરાન યુદ્ધની અસર હવે પાકિસ્તાન પર સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. શાહબાઝ શરીફની સરકારે દેશની ખાલી તિજોરી ભરવા માટે હાઈ-ઓક્ટિન પ્રીમિયમ પેટ્રોલ પરના ટેક્સમાં (PDL) એક ઝાટકે ૨૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ ૧૦૦થી વધીને ૩૦૦ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. સરકારનો દાવો છે કે આનાથી માત્ર અમીર વર્ગ પર બોજ પડશે, પરંતુ નિષ્ણાતો તેને આર્થિક તબાહીનો સંકેત માની રહ્યા છે.
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ (PIDE) ના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં આવતો કોઈ પણ અવરોધ પાકિસ્તાન સહન કરી શકશે નહીં. જો આવું થશે તો પાકિસ્તાનના અર્થતંત્રને માઠી અસર પડવાની ભીતિ છે.
પાકિસ્તાની સરકારે હાઈ-એન્ડ ઇમ્પોર્ટેડ લક્ઝરી કાર વાપરતા અમીર વર્ગને ટાર્ગેટ કરીને આ નિર્ણય લીધો છે. આ ટેક્સ વધારાથી સરકારને દર મહિને આશરે ૯ અબજ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બચાવ કર્યો છે કે સામાન્ય પેટ્રોલના ભાવમાં આ વધારો લાગુ નહીં પડે, તેથી સામાન્ય જનતાને અસર થશે નહીં. જોકે, આ દરમિયાન કેટલાક નિષ્ણાતો સરકારના આ નિર્ણયને ખાલી સરકારી તિજોરીઓ ભરવાની એક તક તરીકે પણ જોઈ રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા વિશ્વનો મોટાભાગનો તેલ પુરવઠો પસાર થાય છે. જો આ માર્ગ પર ઈરાન યુદ્ધને કારણે વધુ સમય સુધી અવરોધ આવશે, તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે. PIDE ના મતે, જો આ વિસ્તારમાં સપ્લાય ખોરવાશે તો મોંઘવારી દર અત્યારના ૯% થી વધીને સીધો ૧૨% ને પાર કરી જશે. આ ઉપરાંત માત્ર પેટ્રોલ જ નહીં, પણ હાઈ-સ્પીડ ડીઝલ (HSD) ના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટ અને ખેતીના ખર્ચમાં પણ મોટો વધારો થશે.
ખાદ્ય પુરવઠા અને માલસામાનની હેરફેર મોંઘી થવાથી સામાન્ય માણસની થાળી પર તેની અસર વર્તાશે. પાકિસ્તાન અત્યારે આર્થિક રીતે અત્યંત નાજુક સ્થિતિમાં છે. શાહબાઝ સરકાર ભલે અમીરો પર ટેક્સ નાખવાની વાત કરતી હોય, પણ જો વૈશ્વિક તેલ સંકટ ઘેરાશે, તો સમગ્ર દેશમાં નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
