<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સિદ્ધિ વિનાયકની દાનપેટીમાંથી જ કર્મચારીઓ દ્વારા નિયમિત ચોરી

દાનના પૈસા કર્મચારીઓ ખિસ્‍સામાં પધરાવતા હતા : એક કર્મચારી સીસીટીવી ફૂટેજમાં દેખાયા બાદ ધરપકડ : વધુ પાંચ કર્મચારીઓની સંડોવણી બહાર આવી

મુંબઈ,તા.૨૩: દેશવિદેશમાં ભક્‍તોની આસ્‍થાનાં કેન્‍દ્ર પ્રભાદેવીનાં સિદ્ધિ વિનાયક મંદિરમાં કર્મચારીઓ દ્વારા જ દાનપેટીમાંથી અવારનવાર પૈસાની ઉચાપત કરી લેવાતી હોવાનું રેકેટ બહાર આવ્‍યું છે. દાદર પોલીસે એક કર્મચારીની ધરપકડ પણ કરી લીધી છે. આ સમગ્ર રેકેટમાં અન્‍ય પાંચ કર્મચારીઓ પણ સામેલ હોવાનું ખુદ મંદિર સંચાલકોએ જણાવ્‍યું છે.

લોઅર પરેલમાં રહેતા ૫૭ વર્ષીય  કર્મચારી રાજેન્‍દ્ર પેંજુરકરે દાનપેટીમાંથી ૧૦ હજાર રુપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ મંદિરના એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર બીના પાટીલે નોંધાવી હતી. મંદિર ટ્રસ્‍ટના અધ્‍યક્ષ સદા સરવણકરે જણાવ્‍યું હતું કે આ ગુનામાં પાંચ વધુ કર્મચારીઓ પણ સામેલ છે.

સીસીટીવી ફૂટેજ માં પેંડુરકર કથિત રીતે દાનપેટીમાંથી ચોરી કરી રહ્યાનું દેખાયું હતું. બાદમાં ટ્રસ્‍ટના સભ્‍યોએ છેલ્‍લા ૮થી ૧૦ દિવસના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરતા જાણવા મળ્‍યું હતું કે આરોપી વારંવાર દાનપટીમાંથી પૈસા કરી રહ્યો હતો

ટ્રસ્‍ટની ફરિયાદના આધારે દાદર પોલીસે ચોરીનો ગુનો નોંધી શુક્રવારે જ આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ કસ્‍ટડી ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્‍યું હતું કે તેણે ફક્‍ત ૧૦ હજાર રૂપિયાનો ચોરી કરી છે. જો કે તે વારંવાર પૈસાની ચોરી કરતો હોવાથી પોલીસને શંકા છે કે કુલ રકમ વધુ હોઈ શકે છે. જેની હાલત તપાસ કરવામાં આવી રહી છે

(10:34 AM IST)