<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ન્‍યાયતંત્રમાં કેટલાક રાજાથી વધુ વફાદારના સિન્‍ડ્રોમથી પીડાય છે

વિકસિત ભારતમાં અસંમતિ અને ચર્ચાને સ્‍થાન હોવું જોઈએ : આવા લોકો જરૂરી હોય ત્‍યાં પણ જામીન નથી આપતા તેથી આરોપી મહિનાઓ સુધી જેલમાં પડયા રહે છે : ન્‍યાયાધીશ ભુયાન : યુએપીએ હેઠળ આડેધડ ધરપકડો પણ દોષિત બહુ જ ઓછા ઠરે છે, આવી કાર્યવાહીથી કોર્ટનો સમય વેડફાય છે

નવી દિલ્‍હી,તા.૨૩: સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશ ઉજ્જવલ ભુયાને એક મોટી ટિપ્‍પણી કરી હતી, રવિવારે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કેટલાક જજો રાજા કરતા પણ વધુ વફાદાર હોવાના સિન્‍ડ્રોમથી પીડિત છે. જેને પરિણામે એવા લોકો પણ જેલમાં પડ્‍યા રહે છે કે જેઓ જામીન પર છૂટવાને હકદાર હોય છે. તેમણે એમ પણ કહ્યું કે વિકસિત ભારતમાં અસંમતિ અને ચર્ચા માટે વધુ મોકળાશ હોવી જોઇએ.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન  નેશનલ કોન્‍ફરંસ ૨૦૨૯માં વિકસિત ભારતમાં ન્‍યાયતંત્રની ભૂમિકા પર વાત કરતી વખતે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ ન્‍યાયાધીશ ઉજ્જવલ ભુયાને કેસોના વધી રહેલા બોજની સાથે જાતિવાદ પર પણ વાત કરી હતી.

તેમણે વિકસિત ભારત કેવુ હોવું જોઇએ તેના પર પોતાના વિચારો વ્‍યક્‍ત કરતા કહ્યું હતું કે વિકસિત ભારતમાં માતા પિતા પોતાના સંતાનોને દલિતોના સંતાનો સાથે ભેદભાવ કરવાનું શીખવાડે તે ના ચાલે, માતા પિતા પોતાના સંતાનોને એમ કહે કે તેઓ દલિતો દ્વારા બનાવેલુ ભોજન નહીં કરે તે ના ચલાવી લેવાય, વિકસિત ભારતમાં એવુ ના થવું જોઈએ કે દલિત પુરુષોને નીચે બેસાડવામાં આવે અનેલોકો તેના પર પેશાબ કરે, દરેક વ્‍યક્‍તિના સન્‍માનનુ રક્ષણ થવું જોઈએ. વિકસિત ભારતમાં ડિસેન્‍ટ અને ડિબેટ એટલે કે અસંમતિ અને ચર્ચાને સ્‍થાન હોવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે જ્‍યારે નાની નાની વાતો જેમ કે વિરોધ પ્રદર્શન, સોશિયલ મીડિયા મિમ્‍સ કે પોસ્‍ટ પર જ એફઆઇઆર કરી દેવામાં આવે છે ત્‍યારે આ મામલા બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી આવી જાય છે, બાદમાં તેમાં એસઆઈટીનું ગઠન કરવા જેવી માગણીઓ થવા લાગે છે. આ તમામમાં કોર્ટનો સમય બરબાદ થાય છે.

તાજેતરમાં બહુ જ બેદરકારીથી ક્રિમિનલ કેસો અને એફઆઇઆર થઇ રહી છે, નાની વાતોમાં એફઆઇઆર થઈ જાય છે. યુએપીએ હેઠળ આડેધડ ધરપકડો પર તેમણે ચિતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૯માં યુએપીએ હેઠળ ૧૯૮૪ ધરપકડો થઈ, પરંતુ માત્ર ૩૪ને જ દોષિત ઠેરવાયા, દોષસિદ્ધિ દર માત્ર ૧.૭૪ ટકા છે. ૨૦૨૦માં ૧૩૨૧ ધરપકડો સામે ૮૦ જ દોષિત ઠેરવાયા

આંકડા દર્શાવે છે કે કોર્ટોનો સમય બરબાદ થાય છે, જ્‍યારે કોઇ પણ યોગ્‍ય આધાર પુરાવા વગર જ આડેધડ ધરપકડો થાય છે. સુપ્રીમના ન્‍યાયાધીશે વધુમાં કહ્યું કે મારે એ વાત સ્‍વીકારવી જોઈએ કે ન્‍યાયતંત્રમાં પણ અનેક પોતાને રાજા કરતા પણ વધુ વફાદાર હોવાના સિન્‍ડ્રોમથી પીડાય છે, જેને પગલે જામીનને લાયક મામલાઓમાં પણ જામીન નથી મળતા અને લોકો મહિનાઓ સુધી જેલમાં પડ્‍યા રહે છે.

(10:36 AM IST)